Tue Oct 06 2026

Logo

વડોદરાના પાદરામાં ખેતરમાં ખાડો ખોદી છુપાવ્યો હતો 55 કિલો ગાંજો, પોલીસે ₹27.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

2026-09-30 22:22:00
Author: Mumbai Samachar Team
વડોદરાના પાદરામાં ખેતરમાં ખાડો ખોદી છુપાવ્યો હતો 55 કિલો ગાંજો, પોલીસે ₹27.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આંટી ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ₹27.50 લાખની કિંમતનો 55 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે એક આરોપીને ગાંજાના જથ્થા સાથે જ ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ  મુસ્તાક રહીમભાઈ મલેક (રહે. આંટી ગામ, ભદારી રોડ) અને બચુભાઈ ડોસુભાઈ પોલીસને જોઈને ફરાર થઈ જતા તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.  

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, પાદરા પોલીસને બાતમી મળી હતી કે આંટી ગામના ભદારી વાળા રોડ પર આવેલા લાલકુવા વિસ્તારમાં એક ખેતરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાં આવેલા ઘોડાના તબેલામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તબેલાની અંદર ખાડો ખોદીને છુપાવેલો 55 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાની અંદાજિત કિંમત ₹27,50,000 હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઇલ ફોન, વજનકાંટો અને રોકડ રકમ પણ કબ્જે કરી હતી.

ફરાર આરોપીને પકડવા તપાસ શરૂ
પોલીસે ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન, વજનકાંટો અને રોકડ રકમ પણ કબજે કરી છે. ઘટનાસ્થળેથી ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે મુસ્તાક રહીમભાઈ મલેક અને બચુભાઈ ડોસુભાઈ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે. ફરાર આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.