Mon Oct 05 2026

Logo

તાડદેવમાં મંદિરેથી દર્શન કરી ઘરે જઈ રહેલી પારસી યુવતી પર લોખંડનો દરવાજો પડ્યો

2026-09-22 08:31:00
Author: Yogesh C. Patel
તાડદેવમાં મંદિરેથી દર્શન કરી ઘરે જઈ રહેલી પારસી યુવતી પર લોખંડનો દરવાજો પડ્યો

યુવતીને ગંભીર ઇજા થતાં સાઈટ સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો: નોટિસ આપી છોડવામાં આવેલા આરોપી સામે સીધી ચાર્જશીટ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંબામાતાનાં દર્શન કરીને ઘરે પાછી ફરી રહેલી પારસી યુવતી પર લોખંડનો જર્જરિત દરવાજો પડતાં તે ગંભીર રીતે ઘવાઈ હોવાની આંચકાજનક ઘટના દક્ષિણ મુંબઈના તાડદેવ વિસ્તારમાં બની હતી. પોલીસે દરવાજાની દેખભાળની જવાબદારી જેને સોંપાઈ હતી તે સાઈટ સુપરવાઈઝર વિરુદ્ધ ગુનો નોંધી તેને નોટિસ આપી હતી. આ ઘટનામાં તપાસ બાદ કોર્ટમાં સીધી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, એવું પોલીસનું કહેવું છે.

ગામદેવી પોલીસના જણાવ્યા મુજબ ઘટના તાડદેવના પાટીલ એસ્ટેટ કમ્પાઉન્ડ પાસેની સચિનમ હાઈટ્સ ઈમારત ખાતે 27 ઑગસ્ટની સવારે 9.45 વાગ્યાની આસપાસ બની હતી. લોખંડનો વજનદાર દરવાજો શરીર પર પડવાને કારણે જેની યઝદી બામજી (23) જખમી થઈ હતી. જેનીના પિતા યઝદી બામજી (58)એ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે વિનય બાબુ શાહ (53) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઝોરાષ્ટ્રીયન કોલોનીની તારાચંદ બિલ્ડિંગમાં રહેતી જેની રોજ સવારે પાટીલ એસ્ટેટ કમ્પાઉન્ડ ખાતેના અંબામાતાના મંદિરે દર્શન માટે જતી હતી. ઘટનાની સવારે તે દર્શન કરીને પાછી ફરતી હતી ત્યારે સચિનમ હાઈટ્સ ઈમારતના પ્રવેશદ્વાર પાસેનો લોખંડનો દરવાજો એકાએક તેના પર તૂટી પડ્યો હતો. વજનદાર દરવાજો પડવાને કારણે જેની પણ જમીન પર ફસડાઈ પડી હતી.

કહેવાય છે કે ઘટના સમયે નજીકના જિમમાંથી નીકળેલી મહિલા સંગીતાબહેન પ્રજાપતિ જેનીની મદદે આવી હતી. જેનીને ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા પછી તેના પિતાને ફોન પર ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પિતા યઝદી બામજીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં તે પહોંચ્યા ત્યારે તબીબે જેનીને ગંભીર ઇજા થઈ હોવાની જાણ કરી હતી. જેનીના માથામાં પાછળના ભાગમાં ઇજા, બન્ને ગાલ પાસેનાં હાડકાં અને નાકમાં ફ્રેક્ચર તેમ જ મોંઢાની અંદર તાળવામાં ગંભીર ઇજાની સાથે ત્રણ દાંત તૂટી ગયા હોવાનું ડૉક્ટરે કહ્યું હતું.

જેનીના પિતા ઘટનાસ્થળે ગયા ત્યારે સામેની બી વિંગમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં દરવાજો પડવાની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બેથી ત્રણ કૅમેરાનાં ફૂટેજમાં દરવાજો જેની પર પડતો નજરે પડે છે. સારવાર પછી જેનીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી પોલીસ ફરિયાદ કરાઈ હતી. ગામદેવી પોલીસે બેદરકારી બદલ 10 સપ્ટેમ્બરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125(બી) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.

ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રશાંત મોહિતેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને આરોપી શાહને નોટિસ આપવામાં આવી છે. કાનૂની જોગવાઈને અનુસરી તપાસ બાદ આરોપનામું કોર્ટમાં દાખલ કરવામાં આવશે.