Tue Oct 06 2026

Logo

સૌરાષ્ટ્રના આ શહેરમાં જિમના ચેન્જિંગ રૂમમાં લગાવાયા હતા કેમેરા ? યુવતીઓને બ્લેકમેલ કરાતી ને પછી.........

2026-10-05 09:50:00
Author: Mayur Patel
સૌરાષ્ટ્રના આ શહેરમાં જિમના ચેન્જિંગ રૂમમાં લગાવાયા હતા કેમેરા ? યુવતીઓને બ્લેકમેલ કરાતી ને પછી.........

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના શિવાલીક કોમ્પ્લેક્સમાં ચાલતા ક્લબ 71 જિમના સંચાલક અમીન યાસીનભાઈ મુલતાનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, જિમમાં આવતી યુવતીઓ સાથે છેડતી કરવી, વોટ્સએપ મારફતે ન્યૂડ ફોટા મેળવી બ્લેકમેઇલિંગ કરવું તેમજ બળજબરીથી રૂપિયા પડાવવાની પ્રવૃત્તિ અંગે રજૂઆત મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસને જિમના ચેન્જિંગ રૂમને લઈને ફરિયાદ મળી હતી.  ત્યારબાદ પોલીસ પોતે ગ્રાહક બનીને જિમમાં એડમિશન લેવાના બહાને પહોંચી હતી અને બે દિવસ પહેલા દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પેનડ્રાઇવ, કોરા ચેક અને હિસાબી ડાયરી મળી આવી હતી. પેનડ્રાઇવમાં યુવતીઓના વાંધાજનક ફોટા અને વીડિયો હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

મળતી વિગત પ્રમાણે, સુરેન્દ્રનગરમાં ક્લબ 71 નામના જિમમાં યુવતીઓ કસરત કરવા આવતી હતી અને બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. તેવામાં પોલીસ પાસે એક યુવતીની ફરિયાદ મળી હતી. જે બાદ પોલીસ ખાતરી કરવા જિમમાં એડમિશન લેવાના બહાને સામાન્ય ગ્રાહક બનીને ગઈ અને જ્યારે ખાતરી થઈ ગઈ કે મામલો ગંભીર છે, ત્યારે  જિમ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને કેટલીક એવી વસ્તુઓ મળી હતી,  જેની હવે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. આ વસ્તુઓમાં પેનડ્રાઇવ, કોરા ચેક, હિસાબી ડાયરી અને અન્ય સામાન છે.

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ અને 80 ફૂટ રોડ પર ‘ક્લબ 71’ નામે જિમ ચાલતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને સ્થળોએ શહેરની ઘણી યુવતીઓ આવતી હતી. આ જિમનો મેનેજર અમીન મુલતાની હતો. આ દરમિયાન સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને એક યુવતી તરફથી ફરિયાદ મળી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે જિમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. યુવતીએ આરોપ લગાવ્યો કે યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવે છે અને કથિત રીતે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવે છે.

ફરિયાદમાં વધુ એક ગંભીર આરોપ ચેન્જિંગ રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો હતો. આક્ષેપ હતો કે યુવતીઓના ફોટો-વીડિયો ઉતારીને બાદમાં તેનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરાતો હતો. પોલીસે ફરિયાદમાં કેટલું તથ્ય છે શોધવા ગ્રાહક બનીને પહોંચવાનું આયોજન કર્યું. સુરેન્દ્રનગરના એએસપી વેદિકા બિહાની અને પોલીસ ટીમે રાત્રે જિમમાં પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ જિમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્યાંથી પેનડ્રાઇવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

પોલીસના જણાવ્યા મુજબ, પેનડ્રાઇવમાંથી યુવતીઓના વાંધાજનક ફોટા અને વીડિયો મળ્યા છે. જોકે પોલીસ તેને સંપૂર્ણ અસલી માની રહી નથી. આ ફોટા અને વીડિયો AIથી બનાવવામાં આવ્યા છે કે કેમ તે જાણવા ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. ડિજિટલ ફોરેન્સિક તપાસ બાદ ફોટા અને વીડિયો અસલી છે કે પછી તેની સાથે છેડછાડ થઈ છે અથવા AIનો ઉપયોગ કરાયો છે તે સ્પષ્ટ થશે.

આ સાથે જ કેસમાં બીજો એંગલ પણ સામે આવ્યો છે. જિમમાંથી કોરા ચેક અને એકાઉન્ટ ડાયરી પણ મળી આવતાં પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદે વ્યાજખોરીના ધંધા સાથે પણ સંકળાયેલો હોઈ શકે છે. જોકે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જો અન્ય કોઈ યુવતી ભોગ બની હોય તો તે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે છે, તેની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. જિમ મંજૂરી વગર ચાલતું હોવાથી પાલિકા અને PGVCLની ટીમે બંને જિમને સીલ કરી દીધા છે. આરોપીએ કેટલી યુવતીઓને બ્લેકમેલ કરી છે તેમજ પેનડ્રાઇવમાં મળેલા ફોટા અસલી છે કે AI દ્વારા બનાવાયેલા છે, તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.