Mon Oct 05 2026

Logo

ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્રને ભેજાબાજોએ નિશાન બનાવ્યો: રૂ. 76.45 લાખનો ચૂનો ચોપડ્યો

2026-09-12 08:32:00
Author: Mayur Patel
ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્રને ભેજાબાજોએ નિશાન બનાવ્યો: રૂ. 76.45 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતઃ રાજ્યસભાના સાંસદ અને એસઆરકે કંપનીના માલિક ગોવિંદ ધોળકિયાના પુત્ર  શ્રેયાંસ ધોળકિયા સાતે ઈ સ્ટેમ્પ પેપર વેચાણથી આપવાના બહાને 76.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પાલનપુર પાટીયામાં રહેતા મેવાવાલા દંપતિની ડીસીબી પોલીસે ધરપકડ કરી હતી.

શું છે મામલો

કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી એસ.આર.કે. કંપનીના મેનેજર કનુ બાલા માલવીયા દ્વારા સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની એસઆરકે કંપનીના ડિરેક્ટર શ્રેયાંશ ગોવિંદ ધોળકિયાને પલસાણા ખાતે આવેલ જમીન ખરીદવા માટે કુલ રૂ. 76,44,900ના ઈ-સ્ટેમ્પ પેપરની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી વકીલ મારફતે જનરલ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવતા સલોની રામકૃષ્ણ મેવાવાલા તથા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલાસાથે અગાઉ શ્રેયાંશ ધોળકિયાનો સંપર્ક થયો હતો. 

શ્રેયાંશ ધોળકિયાએ જમીન ખરીદવા માટે કુલ રૂ. 76,44,900ના ઈ-સ્ટેમ્પ પેપર મેવાવાલા દંપતિ પાસેથી લેવા માટે તૈયારી દર્શાવી હતી. મેવાવાલા દંપતિએ 'સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ'ના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું જણાવતા શ્રેયાંશ ધોળકિયાએ પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ. 76,44,900 નો ચેક આપી રકમ જમા કરાવી હતી.

જોકે, મેવાવાલા દંપતિએ ઈ-સ્ટેમ્પ પેપર કે નાણા પરત ન આપી શ્રેયાંસ ધોળકિયા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચમાં મેવાવાલા દંપતિ વિરૂદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા તેઓની ધરપકડ કરી હતી.