સુરતઃ સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, છાશવાર એક નવી ક્રાઈમની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. તેવામાં સુરતમાં ફરી એક દીકરીને હવસનો શિકાર બનાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એક 16 વર્ષીય વિદ્યાર્થિનીને જાતિય શોષણનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. 24 વર્ષીય શરીફ શેખ સગીરાને વાતચીતને બહાને હોટેલમાં લઈ ગયો હતો. શાંત જગ્યાએ બેસી વાત કરવાનું કહીને આરોપી તેને હોટેલમાં લઈ ગયો અને પછી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આરોપી શરીફ શેખે સગીરા સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું
વિગતે વાત કરવામાં આવે તો, બેગમપુરા મોતી ટોકીઝ પાસે રમણ ચેમ્બર્સ ખાતે રહેતા શરીફ શેખ સાથે યુવતીની ઓળખાણ થઈ હતી. ગત 24 સપ્ટેમ્બરે આરોપીએ સગીરાને મળવા માટે બોલાવી હતી. દયાળજી બાગમાં ભીડ વધારે હોવાથી આરોપીએ સગીરાને કોઈ શાંત જગ્યાએ બેસી વાત કરવા માટે કહ્યું અને પછી તેને થોડે દૂર આવેલા એક હોટેલમાં લઈ ગયો હતો. જ્યા આરોપી શરીફ શેખે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી મોપેડ પર બેસાડી રાંદેર રામનગર આવ્યો અને અહીં તેને ઉતારીને ફરાર થઈ ગયો હતો.
પરિવારને શંકા જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો
જ્યારે દીકરી ઘરે પહોંચી ત્યારે તેની નિરાષ હતી અને માનસિક રીતે પરેશાન હોવાનો ખ્યાલ આવતા પરિવારને શંકા ગઈ હતી. જ્યારે માતા-પિતાએ દીકરી સાથે પ્રેમથી વાત કરી ત્યારે દીકરી ભાગી પડી અને રડતા રડતા સમગ્ર આપવીતી જણાવી હતી. ત્યારબાર પરિવારે સત્વરે અઠવાલાઇન્સ પોલીસમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. સગીરના ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિત દુષ્કર્મની કલમ હેઠલ ગુનો નોંધીને આરોપી શરીફ શેખની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસે આરોપી સામે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.