રાજકોટઃ નવરાત્રીના પર્વ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વ પૂર્વે યોજાયેલા એક કાર્યક્રમ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ ઉપસ્થિત રહી ખેલૈયાઓ અને નાગરિકોને કાયદો-વ્યવસ્થા તેમજ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની દ્વારા શહેર પોલીસની કામગીરીની સરાહના કરી પોલીસ કાફલાને ફૂલડે વધાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં ડીસીપી જગદીશ બાંગરવાએ બહેન-દીકરીઓની સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "બહેન-દીકરીઓની સુરક્ષા એ માત્ર ખાખી વર્દી કે પોલીસ તંત્ર પૂરતી સીમિત નથી, પરંતુ એ આપણા સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે. ગરબા મહોત્સવ દરમિયાન મોડી રાત્રે આવતી-જતી વખતે આપણી દીકરીઓને કોઈ અડચણ કે અસલામતી ન નડે તે જોવાની ફરજ પ્રત્યેક નાગરિકની છે. આ મુદ્દે તેમણે ઉપસ્થિત તમામ ખેલૈયાઓ અને લોકોને દીકરીઓની સુરક્ષાનો અડગ સંકલ્પ લેવડાવ્યો હતો.
કોઈપણ અનિચ્છનીય ઘટના કે પજવણીના કિસ્સામાં ખેલૈયાઓને ત્વરિત મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર 112, 181 (અભયમ) તેમજ સ્થાનિક 'શી ટીમ' સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ડીસીપીએ યુવાધનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, નવરાત્રી પર્વ દરમિયાન દારૂ તેમજ ડ્રગ્સ જેવા નશાના દૂષણોથી સંપૂર્ણપણે દૂર રહેવું જરૂરી છે. તેમણે સૂચક ટકોર કરી હતી કે "કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો." ઉત્સવની ઉજવણી દરમિયાન અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા ટાળવા માટે તમામને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.