રાજકોટઃ રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. શિક્ષણ સમિતિના ઉમેદવારી ફોર્મના વિવાદ બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા અગ્રણી વિજયસિંહ જાડેજાએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના અત્યંત ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે. જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસનું ઇલુ-ઇલુ (આંતરિક સાંઠગાંઠ) ચાલી રહ્યું છે.
વિજયસિંહ જાડેજાએ ગુરુ વંદના લો કોલેજની માન્યતા અને તેના સંચાલન સામે સીધા સવાલો ઉઠાવ્યા છે. આ સંદર્ભે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (VC) ને રૂબરૂ મળીને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ માહિતી માંગી છે. જાડેજાએ જણાવ્યું હતું કે, કોલેજને મંજૂરી આપતી વખતે કાગળ પર ૫ એકર જમીન દર્શાવવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેનાથી અલગ છે. આ ઉપરાંત કોલેજમાં પ્રોફેસરોની હાજરી, વાસ્તવિક જમીન-ક્ષેત્રફળ અને શૈક્ષણિક નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
વધુમાં તેમણે રાજદીપસિંહ જાડેજા સાથે સંકળાયેલી કોલેજ સામે પણ તપાસની માંગણી દોહરાવી છે. વિજયસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ સમગ્ર પ્રકરણમાં ગેરરીતિ કે છેતરપિંડી સાબિત થાય, તો જવાબદારો સામે તટસ્થ તપાસ કરી કાયદેસરની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે. શિક્ષણ સમિતિની ચૂંટણી બાદ શરૂ થયેલી આ રાજકીય ખેંચતાણથી કોંગ્રેસ સંગઠનમાં અંદરોઅંદરનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.