ગીર સોમનાથ: ઉના પથંકમાં આજે સવારે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસના ડ્રાઇવર સહિત 2ના મોત થયા હતા.ખાંભા-બેડીયા રોડ પર ઝાલોદથી ઉના તરફ આવી રહેલી એસટી બસ અને સામેથી આવી રહેલા ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 10 થી 12 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
વહેલી સવારે 7 વાગ્યે જોરદાર ધડાકો અને ચીસાચીસ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે આશરે 7:00 વાગ્યાના સુમારે ઝાલોદ-ઉના રૂટની એસટી બસ મુસાફરોને લઈને ઉના તરફ આવી રહી હતી. તે સમયે ખાંભા-બેડીયા રોડ પર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક સાથે બસની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને શાંત વાતાવરણમાં મુસાફરોની દર્દનાક ચીસો ગુંજી ઊઠી હતી. બંને વાહનોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ટ્રક ચાલક સહિત બેનાં મોત, બસ ડ્રાઇવરની હાલત ગંભીર
આ ભયાનક અકસ્માતમાં ટ્રક ચાલક અને અન્ય એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે એસટી બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર આશરે 10 થી 12 જેટલા મુસાફરોને પણ નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સ્થાનિક વાડી વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા
અકસ્માતનો પ્રચંડ ધડાકો થતાં જ આસપાસના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરી બસની બારીઓ અને દરવાજામાંથી લોહીલુહાણ હાલતમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.