Mon Oct 05 2026

Logo

શિવ રહસ્ય: હું તમારો પુત્ર મદાસુર છું આજ્ઞા આપો પિતાશ્રી મારે શું કરવાનું છે

2026-09-28 08:46:00
Author: Bharat Patel
શિવ રહસ્ય: હું તમારો પુત્ર મદાસુર છું આજ્ઞા આપો પિતાશ્રી મારે શું કરવાનું છે

- ભરત પટેલ

સિદ્ધિ-બુદ્ધિ માતા પાર્વતીને કહે છે, માતા જલ્દી કહો ચ્યવન ઋષિ અને સુક્ધયા કઈ રીતે હંમેશાં યુવાન રહે છે, અમારે એ કથા સાંભળવી છે. માતા પાર્વતી કહે છે, ‘ઘણાં વરસોથી ભગવાન શિવની આરાધના કરતા ઋષિ ચ્યવન ક્યારે વૃદ્ધ થઈ જાય છે એની પણ એમને ખબર પડતી નથી. વનવિહાર દરમિયાન સુક્ધયાને લાંબેથી માટીના મોટાં ઢેફામાં બે ચમકદાર મોતી દેખાય છે. હાથ મોતી સુધી પહોંચી ન શકતાં સુક્ધયા એના હાથમાં રહેલાં બે તીરથી એ મોતી કાઢવાની કોશિશ કરે છે. તીર માટીના ઢેફામાં ખૂંપતાં જ ચ્યવન ઋષિ બરાડા પાડતાં ઊભા થઈ જાય છે. એમની બંને આંખો ફૂટી ગઈ હોય છે.

ચ્યવન ઋષિ ક્રોધિત થતા કહે છે, ‘આ દુષ્ટ કોણ છે? જેણે મારી આંખો ફોડી નાખી, હું તો ઘણાં વરસોથી આરાધનામાં વ્યસ્ત છું, બોલો, જલદી અથવા હું શાપ આપીશ તો ક્યાંયના નહીં રહો.’ ગભરાયેલી સુક્ધયા ચ્યવન ઋષિની માફી માગે છે. ચ્યવન ઋષિ કહે છે, ‘માફી માગો તો શું અર્થ? મારે તો જીવનભર આંખોની રોશની વગર જ જીવવું પડશે ને? મારી પીડા કઈ રીતે શાંત થશે?’ વ્યથિત  સુક્ધયા કહે છે ‘હે ઋષિવર, ચિંતા ન કરો, અજાણતાં થયેલા પાપનું હું તમારા આંખોની જ્યોતિ બની પ્રાયશ્ર્ચિત કરીશ, હું તમારી દાસી બની તમારી આંખોને રોશની આપીશ.’ પિતા રાજા શર્યાતીની અનુમતિ મળતાં જ રાજકુમારી સુક્ધયા અને ચ્યવન ઋષિના લગ્ન ધામધૂમથી પૂર્ણ થાય છે. એક સમયે સુક્ધયા નદી કિનારે પાણી ભરવા જાય છે, સામે બે યુવાન ઊભા હોય છે. તેઓ કહે છે,  ‘હે સુક્ધયા, તમે ખૂબ જ સુંદર છો. તમે વૃદ્ધ નેત્રહીન ચ્યવન ઋષિ સાથે લગ્ન કરી જીવનની સૌથી મોટી ભૂલ કરી છે.

અમારામાંથી કોઈપણ એકને પતિ તરીકે સ્વીકારી તારું યૌવન અને જીવન સફળ કરી શકે છે. અમે અમારી ઔષધિઓથી તારા પતિનું કાયાકલ્પ કરી તેમને દૃષ્ટિ અને યૌવન ફરી આપી દેશું. દેવી સુક્ધયા તું પણ પાપમુક્ત થઈ જશે.’ પતિવ્રતા સુક્ધયા કહે છે, ‘હે અશ્ર્વિનીકુમારો! તમે તો મારા પૂજ્ય છો. હું એક સતિ નારી છું, મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી તમારું દેવત્વ અને મારા સતિત્વને લાંછન લગાડી રહ્યા છો. આપ દેવતાઓના વૈદ્ય છો અને મારા પતિ ચ્યવનઋષિને  સ્વસ્થ કરવા સક્ષમ છો. તમે મારા પર કૃપા કરવા પ્રગટ થયા છો તો કૃપા કરી મારા પતિને સ્વસ્થ બનાવી તેમને ફરી દૃષ્ટિ આપો.’ પરીક્ષા કરવા આવેલા અશ્ર્વિની કુમારો પ્રસન્ન થાય છે.

અશ્ર્વિનીકુમારો ચ્યવન ઋષિની આંખોમાં ઔષધિઓનો લેપ કરે છે. થોડા સમય બાદ અશ્ર્વિનીકુમારોના કહેવાથી ચ્યવનઋષિ બેઠાં થઈ ધીરે ધીરે તેમનો લેપ દૂર કરે છે અને આંખો ખોલતાં જ સામે સુક્ધયા દેખાય છે. ચ્યવનઋષિ તેમને આભાર માને છે. અશ્ર્વિનીકુમારો કહે છે, ‘અમે તો ભગવાન શિવના આદેશનું પાલન કર્યું છે. હવે તમે આ પ્રાશનું સેવન કરો. તમે યુવાન બની જશો.’ ચ્યવનઋષિ અશ્ર્વિનીકુમાર દ્વારા અપાયેલા પ્રાશનું સેવન કરતાં જ યુવાન થઈ જાય છે. ચ્યવન ઋષિ અશ્ર્વિનીકુમારના આશીર્વાદ લેતા અશ્ર્વિનીકુમાર કહે છે ‘હે ચ્યવનઋષિ સમગ્ર સંસારમાં આ પ્રાશને જે પણ આરોગશે તે પોતાની યુવાની જાળવી રાખશે અને સમગ્ર સંસારવાસીઓ આ પ્રાશને ચ્યવનપ્રાશના નામે ઓળખશે.
* * *
ચ્યવન ઋષિને આંખોની રોશની અને નવયૌવન ફરી મળતાં સુક્ધયા ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. ચ્યવન ઋષિ અને સુક્ધયાને અશ્ર્વિનીકુમારો આશીર્વાદ આપી વિદાય લે છે.

ચ્યવન ઋષિ અને સુક્ધયા ફરી યુવાન થઈ જતાં તેઓ ભગવાન શિવનો ઉપકાર માને છે.

ચ્યવન ઋષિ: ‘દેવી સુક્ધયા તમારા સતિત્વને કારણે જ હું ફરી યૌવન પ્રાપ્ત કરી શક્યો છું.’

સુક્ધયા: ‘સ્વામી! તમે આજીવન ભગવાન શિવની આરાધના કરી અને મને પણ એમાં સામેલ કરી એ ખૂબ અગત્યનું છે. આપણા પર ભગવાન શિવની અપરંપાર કૃપાથી જ આ શક્ય બન્યું છે. હવે હું તમારી સાથે ભગવાન શિવની આરાધનામાં જ મારું જીવન વ્યતીત કરીશ.’

નવયૌવન પ્રાપ્ત કરી ચૂકેલા બંને પતિ-પત્ની ફરી ભગવાન શિવની નિત્ય આરાધનામાં વ્યસ્ત થઈ જાય છે.
* * *
દેવર્ષિ નારદ આકાશ માર્ગે ભ્રમણ કરતા હોય છે એ દરમિયાન ચ્યવન ઋષિના આશ્રમનું વાતાવરણ તેમને કંઈક અજુગતું લાગે છે. તેઓ વિચારે છે કે ઘણો સમય થઈ ગયો ભગવાન શ્રીહરિ વિષ્ણુના દર્શન થયા નથી. એટલે તેઓ ક્ષીરસાગર પહોંચે છે.

દેવર્ષિ નારદ: ‘માતા લક્ષ્મી અને પ્રભુ શ્રીહરિ વિષ્ણુની જય હો.’

માતા લક્ષ્મી: ‘દેવર્ષિ આજે માતા અને પ્રભુની યાદ આવી કે શું?’

દેવર્ષિ નારદ: ‘માતા હું પ્રભુ અને તમને અવિરત - સતત - નિત્ય યાદ કરું છું. મારી જીહ્વા સતત પ્રભુનું ગાન કરતી રહે છે. હા માતા! હું પ્રભુની સાથે સાથે તમને પણ સ્મરું છું.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘કહો નારદ! શું કામ પધાર્યા. તમારા મુખમંડલ પર કંઈક ચિંતા જણાઈ રહી છે.’

દેવર્ષિ: ‘પ્રભુ હું આકાશ માર્ગે વિહાર કરી રહ્યો હતો ત્યારે ચ્યવન ઋષિના આશ્રમમાં મને કંઈક અજુગતુ વાતાવરણ નિર્માણ થઈ રહ્યું હોય તેવું ભાસી રહ્યું હતું, એટલે તમારી પાસે દોડી આવ્યો.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘ચ્યવન ઋષિ ભગવાન શિવના આરાધક છે, તેમના આશીર્વાદથી જ તેમણે નવયૌવન પ્રાપ્ત કર્યું છે. જો તમને કંઈક ચિંતાનો વિષય જણાતો હોય તો તમારે કૈલાસ અવશ્ય જવું જોઈએ.

દેવર્ષિ: ‘જેવી તમારી ઈચ્છા પ્રભુ.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ લઈ દેવર્ષિ નારદ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં ફરી ચ્યવન ઋષિનો આશ્રમ આવતાં દેવર્ષિ જુએ છે કે સુક્ધયા અને ચ્યવન ઋષિ ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત છે. આરાધના દરમિયાન ચ્યવન ઋષિની નજર સુક્ધયા પર પડે છે. નવયુવાન ચ્યવન ઋષિની નજર સુક્ધયાના શરીર પર પડતાં તેઓ મોહિત થઇ જાય છે. તેઓ પોતાની નજર સુક્ધયાથી હટાવી શકતા નથી અને એ જ સમયે સુક્ધયાની નજર પણ ચ્યવન ઋષિ પર પડે છે. બંનેની દૃષ્ટિ એકબીજામાં મળતાં બને મોહિત થઈ જાય છે. બંનેના દૃષ્ટિ સમાગમથી સુક્ધયાની આંખમાંથી એક ટીપું બાજુમાં રાખેલા કમંડળમાં પડે છે. અશ્રુનું એ ટીપું કમંડળમાં પડતાં જ તેમાંથી એક યુવાન પ્રગટ થાય છે. તે ચ્યવન ઋષિની બાજુમાં આવી ઊભો રહે છે. આકાશ માર્ગે જઈ રહેલા દેવર્ષિ નારદ આ બધું જોતાં સતર્ક થઈ જાય છે અને ચ્યવન ઋષિની બાજુમાં પ્રગટ થાય છે.

ચ્યવન ઋષિ: ‘તમે કોણ છો?’

યુવાન: ‘હે પિતાશ્રી! હું તમારા અને માતા સુક્ધયાના દૃષ્ટિ સમાગમથી પ્રગટ થયેલો તમારો પુત્ર મદાસુર છું. આજ્ઞા આપો પિતાશ્રી મારે શું કરવાનું છે?’

દેવર્ષિ નારદ: ‘ચ્યવન ઋષિ અહીં આવો, હું તમને સમજાવું છું.’

દેવર્ષિ નારદની ભાષાનો અર્થ સમજી જતાં ચ્યવન ઋષિ દેવર્ષિ નારદ પાસે જાય છે. ચ્યવન ઋષિ  દેવર્ષિ નારદને કહે છે, હે દેવર્ષિ મારી ભૂલનું પરિણામ આ મદાસુર છે, મારે શું કરવું જોઈએ એ મને સમજ પડતી નથી.’

દેવર્ષિ નારદ: ‘હે ઋષિવર આ યુવાન જન્મતાં જ પોતાને મદાસુર કહીને પોતાની ઓળખ આપે છે. એનામાં આસુરી વૃત્તિ હોવાનું જ દૃષ્ટિપાત થાય છે. તમારે એને અસુરગુરુ શુક્રાચાર્ય પાસે મોકલી દેવો જોઈએ. જેથી તેઓ મદાસુરને યોગ્ય દિશાએ વાળી શકે.’

ચ્યવન ઋષિ: ‘જેવી તમારી આજ્ઞા દેવર્ષિ.’

ચ્યવન ઋષિ મદાસુર પાસે આવી તેને કહે છે, ‘હે પુત્ર મદાસુર, અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમને ગુરુ બનાવી શિક્ષા ગ્રહણ કરો.’

(ક્રમશ:)