જ્યોતિષશાસ્ત્ર અને આપણા હિન્દુ પુરાણોમાં શનિદેવને 'ન્યાયના દેવતા' અને 'કર્મફળ દાતા'નો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મોના આધારે જ ફળ આપે છે. જોકે, કેટલાક એવા કાર્યો પણ છે કે જે કરનાર પર શનિદેવ ક્યારેય પ્રસન્ન થતા નથી અને તેમને પોતાની સાડાસાતી કે ઢૈય્યા દરમિયાન કઠોર દંડ આપે છે. આજે આપણે અહીં ત્રણ એવા કામ વિશે વાત કરીશું કે જે ભૂલથી પણ ના કરવા જોઈએ, નહીં તો શનિદેવની અવકૃપાનો સામનો કરવો પડે છે...
અસહાય અને ગરીબો પર અત્યાચાર કરવો
શનિદેવ ગરીબો, મજૂરો અને અસહાય લોકોના પ્રતિનિધિત્વ કરે છે. પરિણામે જે લોકો પોતાની સત્તા કે પૈસાના જોરે ગરીબોનું શોષણ કરે છે, તેમનો હક છીનવી લે છે કે પછી મજૂરોને તેમની મહેનતનું વળતર સમયસર આપતા નથી, તેમના પર શનિદેવ અત્યંત ક્રોધિત થાય છે. આવા લોકોને શનિની દશા દરમિયાન આર્થિક અને શારીરિક રીતે ભારે કષ્ટ ભોગવવું પડે છે, એટલે ક્યારેય નિઃસહા અને ગરીબ લોકો પર અત્યાર કરવો નહીં.
વડીલો અને સ્ત્રીઓનું અપમાન કરવું
જે ઘર-પરિવારમાં વૃદ્ધ માતા-પિતા કે વડીલોનું સન્માન થતું નથી કે પછી જ્યાં સ્ત્રીઓનો અનાદર કરવામાં આવે છે, ત્યાં શનિદેવ ક્યારેય કૃપા વરસાવતા નથી. શાસ્ત્રો મુજબ, સ્ત્રીઓ અને વડીલો પ્રત્યે ખરાબ વર્તન કરનાર વ્યક્તિ ગમે તેટલી પૂજા-પાઠ કરે, તો પણ તેને શનિદેવના પ્રકોપથી બચી શકતી નથી. શનિદેવ આવી વ્યક્તિને સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ હણી લેવાનો દંડ આપે છે.
પ્રકૃતિને નુકસાન અને ખોટું બોલવું
શનિદેવને સત્ય અને શિસ્ત અત્યંત પ્રિય છે. જે લોકો પોતાના સ્વાર્થ માટે ખોટું બોલે છે, અન્યો સાથે છળ-કપટ કરે છે કે નિર્દોષ પ્રાણીઓ અને પ્રકૃતિને (વૃક્ષો કાપવા વગેરે) નુકસાન પહોંચાડે છે, તેમને શનિદેવ કઠોર શિક્ષા કરે છે. ખાસ કરીને અબોલ પ્રાણીઓ પર અત્યાચાર કરનારને શનિની મહાદશામાં ભયાનક દુઃખ વેઠવું પડે છે.