Mon Oct 05 2026

Logo

ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની રેકૉર્ડ બુક: ત્રણ વન-ડેમાં 10 સેન્ચુરી અને 2,109 રનનો ઢગલો!

2026-10-04 14:40:10
Author: Ajay Motiwala
ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની રેકૉર્ડ બુક: ત્રણ વન-ડેમાં 10 સેન્ચુરી અને 2,109 રનનો ઢગલો!

શાઈ હોપે વાઇટવૉશ ન થવા દીધો

ન્યૂ ચંડીગઢઃ શનિવારે અહીં ત્રીજી અને છેલ્લી વન-ડે સાથે પૂરી થયેલી સિરીઝ ભારતે 2-1થી જીતી લીધી અને વેસ્ટ ઈન્ડિઝે અંતિમ મૅચ જીતીને વાઈટવૉશ ન થવા દીધો એટલે બંને ટીમ પોતપોતાની રીતે સંતુષ્ટ છે, જ્યારે બીજી બાજુ ક્રિકેટપ્રેમીઓને રસ પડે એવા કેટલાક આંકડા પણ બહાર આવ્યા છે.

આ સિરીઝમાં કુલ 10 વ્યક્તિગત સદી ફાટકારવામાં આવી જે  સિરીઝની રેકોર્ડ બુકમાં સેકન્ડ હાઈએસ્ટ છે. 

આ ટૂંકી સિરીઝની છ ઇનિંગ્સમાં કુલ મળીને 2,109 રન બન્યા હતા. ત્રણ વન-ડેની શ્રેણીનો આ વિશ્વિવિક્રમ છે. 2017માં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની વન-ડે સિરીઝમાં કુલ 2,090 રન બન્યા હતા અને એ વર્લ્ડ રેકૉર્ડ હવે તૂટી ગયો છે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સિરીઝની ત્રણ મૅચના સ્કોર આ મુજબ હતા :

(1) વેસ્ટ ઈન્ડિઝ 7/295 અને ભારત 2/300
(2) વેસ્ટ ઈન્ડિઝ 7/405 અને ભારત 2/406
(3) ભારત 7/351 અને વેસ્ટ ઈન્ડિઝ 5/352.

ભારતે આ આખી સિરીઝમાં કુલ 1,057 રન બનાવ્યા હતા જે ત્રણ મૅચની શ્રેણીમાં વિશ્વવિક્રમ છે. 2017ની શ્રેણીમાં ઇંગ્લૅન્ડે 1,054 રનનો જે રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો એ ભારતે ત્રણ રનથી તોડી નાખ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ (Shai Hope)એ શનિવારે ભારત સામેની છેલ્લી વન-ડે (ODI)માં બનાવેલા અણનમ 162 રન એક વન-ડેમાં વિકેટકીપર-કેપ્ટને બનાવેલા રનની રેકૉર્ડ બુકમાં હવે હાઈએસ્ટ છે. તેણે સાઉથ આફ્રિકાના એબી ડીવિલિયર્સ (2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે 149 રન)નો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે.

શાઈ હોપના અણનમ 162 રન વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટનોમાં સેકન્ડ હાઈએસ્ટ છે. સર વિવ રિચર્ડસે 1987ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 181 રન બનાવ્યા હતા.

શાઈ હોપના અણનમ 162 રન વેસ્ટ ઈન્ડિઝ વતી કોઈ એક બૅટ્સમૅને એક વન-ડેમાં બનાવેલા હાઈએસ્ટ રન છે. તેણે ડેસ્મન્ડ હેઈન્સ (અણનમ 152 રન, 1989માં ભારત સામે)નો કૅરિબિયન રેકૉર્ડ તોડ્યો છે.

મૅચમાં શું બન્યું?...થોડું જાણી લઈએ

વેસ્ટ ઇન્ડિઝે શનિવારે ભારતને ત્રીજી અને આખરી વન-ડેમાં પાંચ વિકેટે હરાવીને પોતાનો 0-3થી વાઇટવૉશ થતો રોક્યો હતો. ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 351 રન બનાવ્યા ત્યાર બાદ કૅરિબિયનોએ કૅપ્ટન શાઇ હોપ (162 અણનમ, 143 બૉલ, ત્રણ છગ્ગા, સત્તર ચોગ્ગા)ની લડાયક અને યાદગાર સદીની મદદથી 48.2 ઓવરમાં 5/352ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી. આમિર જાંગુએ 67 રન અને કીમૉ પૉલે 44 રનનો ફાળો આપ્યો હતો. એ પહેલાં, ભારતની ઇનિંગ્સમાં રોહિત શર્મા (92 રન, 85 બૉલ, ત્રણ છગ્ગા, દસ ચોગ્ગા) 36મી સદી ચૂકી ગયો હતો, પણ કે. એલ. રાહુલ (129 અણનમ, 87 બૉલ, છ છગ્ગા, દસ ચોગ્ગા) નવમી સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યો હતો. ગાયકવાડે 57 રન, નમન ધીરે 30 રન અને અંશુલ કમ્બોજે 17 રન બનાવ્યા હતા. કૅરિબિયન પેસ બોલર જેડન સીલ્ઝે સૌથી વધુ ત્રણ વિકેટ, બીજા પેસ બોલર કીમો પૉલે બે વિકેટ અને સ્પિનર ગુડાકેશ મૉટીએ એક વિકેટ મેળવી હતી.

ભારતના બોલર્સ તોતિંગ ટોટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ

ભારતના બોલર્સ મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર, અંશુલ કમ્બોજ અને નીતીશ રેડ્ડીની કસોટી થઈ હતી જેમાં આ ભારતીય બોલર્સ પ્રવાસી ટીમને સીમિત રખાવવામાં નિષ્ફળ રહ્યા હતા. સિરાજ, કુલદીપ, નમન અને બ્રાર એક-એક વિકેટ લઈ શક્યા હતા.