ડૉ. હર્ષા છાડવા
ઓઝોનનું સ્તર આપણને સૂર્યના તીવ્ર કિરણોથી બચાવે છે. આ ઓઝોન સ્તર વાતાવરણના હાનિકારક વાયુઓ અને શરીરને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી અને નુકસાનકારક કિરણોથી રક્ષણ આપે છે. સૂર્યપ્રકાશ જીવન શકય બનાવે છે અને ઓઝોન સ્તર જીવન બચાવે છે. સૂર્યપ્રકાશ સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ આવે છે જે જીવન માટે નુકસાનકારક છે. આ કિરણોને અટકાવાનું કાર્ય ઓઝોન કરે છે.
આ જ કારણ છે કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વિશ્ર્વ ઓઝોન દિવસ દર વર્ષે સોળ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. જેથી પૃથ્વી પરના ઓઝોન સ્તરની જાળવણી અને તેના રક્ષણ માટે લોકજાગૃતિ ફેલાવી શકાય. આ દિવસ લોકોને પર્યાવરણ અને ઓઝોન પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કરે છે.
આ ઓઝોન સ્તર એક નાજુક ગેસ કવચ છે. જે સૂર્યનાં કિરણો સાથે આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. એટલે જેમ કોઈ વસ્તુથી રક્ષણ માટે કોઈ આવરણ રાખવામાં આવે એ રીતે આ ઓઝોન આપણ માટે સુરક્ષા કવચ જેવું છે. લગભગ અઠ્ઠાવીસ જેટલા દેશોએ આના રક્ષણ માટે હસ્તાક્ષર કર્યા છે.
ઓઝોન એ ત્રણ ઓક્સિજન અણુઓનું પરમાણુથી બનેલું છે જેને ઉર્ધ્વમંડળ કહેવાય છે. ઓઝોનને ક્ષીણ કરનારા પદાર્થો જેવા કે કલોરોફલોરો કાર્બન્સ, હાઈડ્રો ક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઈડ અને મિથાઈલ કલોરોફોર્મ, આ પદાર્થો ઓઝોનને નબળું બનાવે છે. આ પદાર્થો વાતાવરણ અને પર્યાવરણ માટે પણ જોખમી છે. જેના કારણે દરેક જીવો પર આની અસર થાય છે.
ઓઝોનને શક્તિશાળી બનાવવા માટે વિશ્ર્વ ઓઝોન દિવસ મનાવવામાં આવે છે. જાગૃતિ માટે આપણી ઘણીયે વસ્તુઓનો વપરાશ ટાળવો જોઈએ. જે વસ્તુઓ કે પદાર્થો બનાવતી વખતે કાર્બનની ઉત્પતિ થાય છે. જેના કારણે ઓઝોનના સ્તરને અસર થાય છે. કાર્બનનો વધુ પડતો ધુમાડો એ ઓક્સિજન ઘટાડી દે છે. તેના કારણે વાતાવરણ પર ઘણીય અસર દેખાય છે.
ઓઝોનના સ્તર બચાવવા ઘણાંય પ્રયત્નો થઈ રહ્યા છે. વાહનોનો ઉપયોગ ઓછો એટલે કે ધુમાડો છોડતાં વાહનોનો ઉપયોગ ઓછો કરવો. સાઇકલનો ઉપયોગ જે કાર્બન નથી છોડતી. આનો ઉપયોગ વધારવો. ખાનગી વાહનોનો ઉપયોગ કરવા કરતાં જાહેર વાહનોનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ. આની માટે જાગૃત રહેવું જરૂરી છે. તેમ જ બધા જ દેશોના રાજકીય નેતાઓએ ધ્યાન દેવું કે યુદ્ધો ન થાય.
યુદ્ધોમાં વપરાતા મિસાઇલ કે અન્ય મશીનો જે બનાવવામાં તેમ જ વાપરવાથી પુષ્કળ પ્રમાણમાં કાર્બન છોડે છે. રબર બનાવતી ફેકટરીઓ પણ મોટા પ્રમાણમાં કાર્બન છોડે છે. જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ થવો જોઈએ તેમ જ ખેતરોમાં વપરાતી જંતુનાશક દવાઓને લીધે પ્રાણીઓ અને નાગરિકોને ઘણાંય નુકસાન થાય છે.
કુદરતી રીતે ઉત્પાદન થતી વસ્તુઓ અને પદાર્થોના ઉપયોગ જ ઓઝોનને બચાવી શકે છે. ફક્ત હસ્તાક્ષર કે એ દિવસ મનાવાથી નહિ. દરેકે આ માટે કાર્ય કરવું પડશે. સ્ટીલ, લોખંડ એલ્યુમિનિયમ નાં વાસણો બનાવતી વખતે પણ અને એના વપરાશથી ઘણાંય નુકસાન થાય છે.
આપણાં વડીલોના જ્ઞાન ઉપર શંકા નથી. તેઓએ જે સાદગીભયુર્ં, સ્વસ્થ જીવન જીવ્યું છે. તેમનું જ્ઞાન આજની માટે ઘણું ઉપયોગી છે. ઘણે ઠેકાણે જાગૃતતા આવી છે પણ તે ખૂબ જ ઓછી છે. માટીના ઘણાં લાભ છે. તે ભોજન બનાવવા અને ખાવાના ઉપયોગ માટેનાં વાસણો ખૂબ જ મળી રહ્યા છે. તેમાં રાધેલું ભોજન એ મિનરલવાળું હોય છે. જેથી શરીરમાં કોઈ હાનિકારક ધાતુઓ જતી નથી પણ શરીરમાં ધાતુઓનું સંતુલન જળવાઈ રહે છે. તેમાં રાંધેલું ભોજન લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જલદી સફાઈ પણ થઈ જાય છે તેને સાફ કરવા કોઈ કેમિકલની જરૂર પડતી નથી.
હાથથી બનેલા તાંબા, પિત્તળ અને કાંસાનાં વાસણોની પણ આજે બોલબાલા છે. કાંસાની થાળીઓમાં જમવું એ સ્વાસ્થ્યપ્રદ છે. તાંબા, પિત્તળમાં પાણી ભરવું તેમજ તેના અન્ય ઉપયોગથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. વાતાવરણને કોઈ નુકસાન પહોંચતું નથી. આ વાસણો લાંબો સમય સુધી ચાલે છે. તેને વેચવાથી પાછું મૂલ્ય પણ સારું મળે છે.
ટેરિકોટન, નાયલોન તેમ જ લૂમોમાં બનતા કે મિલોમાં બનતા કપડા બનાવવામાં પણ કાર્બન વધુ નીકળે છે. ખાદીના કપડાં કે હાથ વણાટના કપડા શરીર માટે પણ લાભદાયક છે. વાતાવરણ બચાવવા માટે આ વરદાનરૂપ છે. ફેકટરીમાં કે મિલોમાં બનતાં કપડાં બનાવવા માટે પણ ઘણાંય કેમિકલની જરૂર પડે છે. આ કેમિકલ બનાવતી ફેકટરીઓ વાતાવરણ અને પાણીનું નુકસાન કરે છે.
પ્લાસ્ટિક અને રબરના રમકડાથી આજે બજાર ઊભરાઈ રહી છે. જે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં જેવું છે. લાકડા અને માટીનાં રમકડાનો યુગ પાછો લાવવો જરૂરી છે. લાકડા માટે વૃક્ષો પણ વધારે વાવવા પડશે જેથી પર્યાવરણ શુદ્ધ રહેશે.
હાથથી છડેલા ચોખા તેમ જ અન્ય અનાજ સ્વાસ્થ્ય ટકાવી શકે છે. હાથથી થતાં કામો વધી જશે તો બેરોજગારી નહીં રહે તેમજ સ્વાસ્થ્ય પણ સારું જળવાશે. કોઈપણ જાતનાં કરાર કે હસ્તપ્રત ઓઝોનને બચાવવા નહિ કરવા પડે.
‘જૂનું તે સોનું.’