(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રાજદ્વારી વાટાઘાટો મારફતે અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધનું કોકડું ઉકેલાય તેવી શક્યતા ઉપરાંત જો અમેરિકા બંદરો પરની નાકાબંધી દૂર કરે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પરનું લશ્કરી દબાણ હળવું કરે તો ઈરાન સાત દિવસમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા તૈયાર થયું હોવાના અહેવાલો વહેતા થતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની અંદર ઊતરી જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા મજબૂત થઈને 95.62ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.78ના બંધ સામે સાધારણ સુધારા સાથે 95.75ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.85 અને ઉપરમાં 95.55 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 15 પૈસા વધીને 95.62ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 18 પૈસાનો સુધારો નોંધાયો હતો. અમેરિકા જો ઈરાનનાં બંદરો પરની નાકાબંધી દૂર કરે અને તેની આસપાસનું લશ્કરી દબાણ હળવું કરે તો સાત દિવસમાં ઈરાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવા તૈયાર હોવાના પ્રસાર માધ્યમોના અહેવાલે
ક્રૂડતેલના ભાવ ઘટી આવતા રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડ તેલના ભાવ અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ આગામી દિવસોમાં રૂપિયાના સુધારાને ટેકો આપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયો 95.30થી 95.80 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા ઘટીને 100.34 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 1.14 ટકા ઘટીને બેરલદીઠ 99.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 329.91 પૉઈન્ટનો અને 85.30 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 576.20 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.