Sun Oct 04 2026

Logo

અભિનેતા રણદીપ હુડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું યાદગાર અવસર

2026-09-22 20:24:21
Author: Chandrakant Kanoja
અભિનેતા રણદીપ હુડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું યાદગાર અવસર

એકતા નગર:  એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પધારેલા પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર રણદીપ હુડાએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા. 
 
સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

આ અવસરે તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી  દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમના  પરિવારજનો પણ તેમની સાથે સામેલ થયા હતા. 

સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દૃશ્યો નિહાળ્યા

આ મુલાકાત દરમિયાન  હૂડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનું અવલોકન કર્યું હતું. તેમણે 135 મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દૃશ્યો નિહાળ્યા હતા. ઉપરાંત, સરદાર પટેલના જીવનચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરતા એક્ઝિબિશન હોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી.

યાત્રા અત્યંત ભાવુક અને અભિભૂત કરનાર

આ પ્રસંગે પોતાના મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવમાં  હૂડાએ જણાવ્યું હતું કે, "સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા અત્યંત ભાવુક અને અભિભૂત કરનાર રહી,મારા બાળક અને પિતા સાથે એક જ સમયે મહાન વ્યક્તિત્વને સમર્પિત આ સ્મારકની મુલાકાત અત્યંત યાદગાર અવસર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા માટે ગર્વનો અવસર છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આજે પરિવાર સહ મુલાકાત લીધી છે, સરદાર પટેલે ભારતને એક કર્યું છે. 

રણદીપ  હુડાને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો અર્પણ

આ મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમીત અરોરાએ  હુડાને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો અર્પણ કર્યા હતા.