Tue Oct 06 2026

Logo

નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત કરનારને ઈનામ સ્વરૂપે કેટલી રકમ મળે? 72 ફિલ્મોની થઈ છે જાહેરાત

2026-09-22 15:44:00
Author: Mumbai Samachar Team
નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત કરનારને ઈનામ સ્વરૂપે કેટલી રકમ મળે? 72 ફિલ્મોની થઈ છે જાહેરાત

મુંબઈઃ દર વર્ષે નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નવી દિલ્હીમાં યોજાય છે પણ આ વખતે પહેલીવાર દિલ્હીની બાહર ગુજરાતના કેવડિયા ખાતે એકતાનગરમાં ફિલ્મ ફેસ્ટિવલ થઈ રહ્યો છે.  પોતાના 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, આ સમારોહ દિલ્હી સિવાયના અન્ય શહેરમાં યોજાઈ રહ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે હવેથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન દર વર્ષે અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવશે. આ વખતે, શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર યામી ગૌતમની ફિલ્મ 'આર્ટિકલ 370' (Article 370) ને મળશે. કાર્તિક આર્યન અને મમ્મૂટી શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવશે, જ્યારે યામી ગૌતમ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવશે. અન્ય વિવિધ શ્રેણીઓમાં પણ પુરસ્કારો આપવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને સરકાર કેટલી ઈનામી રકમ આપે છે? ચાલો જાણીએ.

ત્રણ અલગ અલગ કેટેગરી
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની વિવિધ શ્રેણીઓમાં અલગ-અલગ રકમના પુરસ્કારો આપવામાં આવે છે. 'સ્વર્ણ કમળ' (Golden Lotus)  મેડલના વિજેતાઓને ₹3 લાખ અને 'રજત કમળ' (Silver Lotus) મેડલના વિજેતાઓને ₹2 લાખ આપવામાં આવે છે. જ્યારે 'સિનેમા પર શ્રેષ્ઠ લેખન' (Best Writing on Cinema) શ્રેણીના વિજેતાઓને ₹1 લાખની સાથે 'સ્વર્ણ કમળ' મેડલ એનાયત કરવામાં આવે છે. સૌથી વધુ પુરસ્કારની રકમ દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતાને આપવામાં આવે છે. આ પુરસ્કાર મેળવનારને ₹10 લાખ મળે છે. આ વર્ષે આ સન્માન અભિનેતા અનંત નાગને આપવામાં આવશે.

ઘણીવાર એવું બને છે કે, એક જ શ્રેણીમાં એક કરતાં વધુ વિજેતાઓ હોય છે. ગયા વર્ષે, શાહરૂખ ખાન ('જવાન') અને વિક્રાંત મેસી ('12th ફેલ') ને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પુરસ્કાર મળ્યો હતો. આવા કિસ્સાઓમાં, પુરસ્કારની રકમ વિજેતાઓ વચ્ચે વહેંચવામાં આવે છે. 'રજત કમલ' મેડલ આપવામાં આવ્યો હતો, જેની સાથે ₹2 લાખનું રોકડ ઇનામ હોય છે. પરિણામે, દરેક અભિનેતાને ₹1 લાખ મળ્યા હતા. આ વર્ષે પણ શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં બે નામ છે: મમ્મૂટી અને કાર્તિક આર્યન છે. 

72 ફિલ્મોની જાહેરાત કરાઈ હતી
આ કાર્યક્રમમાં સૌની નજર યામી ગૌતમ અને કાર્તિક આર્યન પર છે, જેઓ અનુક્રમે શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવવા જઈ રહ્યા છે. આ ઉપરાંત, ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન ગણાતા 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર'થી વરિષ્ઠ અભિનેતા અનંત નાગને સન્માનિત કરવામાં આવશે; તેમણે પાંચ દાયકાથી વધુની કારકિર્દી દરમિયાન કન્નડ સહિત ભારતીય સિનેમાની 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 18 જુલાઈ 2026ના રોજ એક પત્રકાર પરિષદમાં 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કારો 2024માં રિલીઝ થયેલી ભારતીય સિનેમાની શ્રેષ્ઠ કૃતિઓને સન્માનિત કરે છે. સબમિશનમાં ફીચર ફિલ્મ શ્રેણીમાં 400 એન્ટ્રીઓ, નોન-ફીચર ફિલ્મોમાં 161, પુસ્તકોની શ્રેણીમાં 38 અને વિવેચકો તરફથી 24 એન્ટ્રીઓનો સમાવેશ થતો હતો.