Tue Oct 06 2026

Logo

'ખોટી તાનાશાહી ન કરો, સસ્પેન્ડ કરાવતા પણ આવડે છે': સાંઢીયા પુલ પાસે ટ્રાફિક મુદ્દે મહિલા નેતા લાલઘૂમ

2026-09-21 11:14:00
Author: Mayur Patel
'ખોટી તાનાશાહી ન કરો, સસ્પેન્ડ કરાવતા પણ આવડે છે': સાંઢીયા પુલ પાસે ટ્રાફિક મુદ્દે  મહિલા નેતા લાલઘૂમ

રાજકોટ: શહેરના સાંઢીયા પુલ પાસે સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ તંત્ર અને ફરજ પર હાજર પોલીસકર્મીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થળ પર ટ્રાફિક નિયમન અને વ્યવસ્થા મુદ્દે ઉગ્ર બોલાચાલી દરમિયાન તેમણે ચીમકી આપતાં જણાવ્યું હતું કે, અહીં ખોટી તાનાશાહી ન કરો, નહીંતર સસ્પેન્ડ કરાવતા પણ આવડે છે. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સાંઢીયા પુલ વિસ્તારમાં દૈનિક ધોરણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોની અવારનવાર મળતી ફરિયાદો વચ્ચે સ્થળ પર પહોંચેલા પદ્મિનીબા વાળાએ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય નાગરિકો ટ્રાફિકમાં પરેશાન થઈ રહ્યા છે ત્યારે વ્યવસ્થા સુધારવાને બદલે અમુક કર્મચારીઓ લોકો પર ખોટો રોફ જમાવી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પદ્મિનીબાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો સામાન્ય જનતાને હેરાન કરવાનું બંધ નહીં કરવામાં આવે અને ટ્રાફિકનું કાયમી નિરાકરણ નહીં લવાય, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કડક પગલાં લેવડાવવામાં આવશે.

વીડિયો વાયરલ થયા બાદ  પદ્મિનીબા વાળા સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ટ્રાફિક કર્મચારી સરોજ સોલંકીની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં 20 સપ્ટેમ્બરે સાંઢિયા પુલ પાસે બેરિકેડ મુદ્દે પોલીસ સાથે રકઝક થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રસ્તા પર વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા તેમજ બેરિકેડ હટાવવાના મુદ્દે વિવાદ થયો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોણ છે પદ્મિનીબા વાળા
પદ્મિનીબા વાળા ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે નિવેદન કર્યું હતું, જેના કારણે ક્ષત્રિયોનો એક વર્ગ નારાજ થઈ ગયો હતો અને તેમણે માગ કરી હતી કે રૂપાલા તેમની ઉમેદવારી પાછી ખેંચે. તે સમયે આંદોલનમાં પહેલા અગ્રણી ભૂમિકા ભજવનારાં પદ્મિનીબા વાળાએ બાદમાં રૂપાલાને માફ કરવાની જાહેરાત કરી હતી.  

ક્ષત્રિય લડાયક મહિલા પદ્મિનીબા કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ છે. તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલા તણસવા ગામ છે. પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે. સંતાનમાં બે દીકરા છે, જેમનું નામ સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા છે.