Sun May 10 2026

Logo

‘ગૉડમૅન’ અશોક ખરાત કેસમાં રુપાલી  ચાકણકર એસઆઈટી સમક્ષ હાજર

2026-05-10 16:59:00
Author: Yogesh C Patel
Article Image

પુણેથી નાશિક વચ્ચે ત્રણથી ચાર વાર કાર ઊભી રખાવી: માર્ગમાં વાહન બદલ્યું

મુંબઈ: મહિલાઓના જાતીય શોષણના કેસમાં ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાત સાથે કથિત સાઠગાંઠને મામલે પૂછપરછ માટે એનસીપીની નેતા રુપાલી ચાકણકર રવિવારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સમક્ષ હાજર થઈ હતી. કહેવાય છે કે પુણેથી નાશિક આવતી વખતે ત્રણથી ચાર વાર ચાકણકરની કાર ઊભી રહી હતી અને માર્ગમાં તેણે વાહન પણ બદલ્યું હતું.

ખરાત પ્રકરણ સામે આવ્યા પછી તપાસમાં પૂર્ણ સહકાર આપવાની તૈયારી સાથે ચાકણકરે રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.

છેલ્લાં ત્રણ વર્ષથી મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં નાશિક પોલીસે 18 માર્ચે ખરાતની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ખરાતનાં અન્ય કારનામાઓ પણ પ્રકાશમાં આવ્યાં હતાં, જેમાં મહિલાઓની જાતીય સતામણી, જમીન પચાવી પાડવી, નાણાંકીય ગેરરીતિઓ અને બ્લૅક મૅજિકનો ઉપયોગ કરી છેતરપિંડી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

નાશિક અને અહિલ્યાનગર જિલ્લામાં ખરાત વિરુદ્ધ જાતીય શોષણ અને છેતરપિંડીના 12 ગુના નોંધાયેલા છે, જેની તપાસ માટે રાજ્ય સરકારે એસઆઈટી બનાવી હતી. ખરાત પ્રકરણ સાથે ચાકણકરની કડી સામે આવતાં તેણે મહિલા પંચ અને એનસીપીની મહિલા પાંખના અધ્યક્ષ પદેથી રાજીનામાં આપ્યાં હતાં.

અધિકારીના જણાવ્યા મુજબ નિવેદન નોંધાવવા માટે ચાકણકરને નાશિકમાં એસઆઈટી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ખરાત સાથેની સાઠગાંઠ અને તેની બહેનના બૅન્ક ખાતાનો ખરાત દ્વારા ઉપયોગ સંબંધે એસઆઈટીએ પ્રશ્ર્ન કર્યા હોવાનું કહેવાય છે.

ચાકણકરે પત્રકારોને કહ્યું હતું કે તે તપાસમાં પૂરો સહકાર આપશે અને પોલીસ દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્ર્નોનો જવાબ આપશે. તપાસકર્તાને સહકાર આપવો તેની જવાબદારી છે.
દરમિયાન કૉંગ્રેસના સિનિયર નેતા નાના પટોલેએ દાવો કર્યો હતો કે જેલમાં ખરાતની જાનને જોખમ હોઈ શકે છે.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય પ્રધાનમંડળના ચાર પ્રધાન ખરાત સાથે સંકળાયેલા હતા. અમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ પ્રધાનોને હટાવવા માટે પત્ર લખીશું.
પટોલેના આક્ષેપોનો જવાબ આપતાં ભાજપના નેતા અને મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે અધૂરી માહિતી ઉપલબ્ધ કરાવવાને બદલે કૉંગ્રેસના નેતાએ આ પ્રધાનોનાં નામ જાહેર કરવાં જોઈએ. (પીટીઆઈ)