Tue Oct 06 2026

Logo

રોહિતે 12,000 રન પૂરા કરવામાં સચિન, પૉન્ટિંગ, સંગકારાથી ઝડપીઃ ગિલ ફાસ્ટેસ્ટ કૅપ્ટન

2026-09-30 21:48:00
Author: Ajay Motiwala
રોહિતે 12,000 રન પૂરા કરવામાં સચિન, પૉન્ટિંગ, સંગકારાથી ઝડપીઃ ગિલ ફાસ્ટેસ્ટ કૅપ્ટન

ગુવાહાટીઃ `હિટમૅન' રોહિત શર્માએ શાનદાર કારકિર્દીમાં બુધવારે વધુ એક મોટી સિદ્ધિ ઉમેરી હતી જેમાં તે વન-ડે ફૉર્મેટમાં 12,000 રન પૂરા કરનાર વિશ્વનો સાતમો અને ભારતનો ત્રીજો બૅટ્સમૅન બન્યો હતો. તેણે 282મી ઇનિંગ્સમાં (12,973 બૉલમાં) આ સિદ્ધિ મેળવી છે અને એ રીતે તે સેક્નડ ફાસ્ટેસ્ટ છે. વિરાટ કોહલીએ 242 ઇનિંગ્સમાં (12,853 બૉલમાં) 12,000 રન પૂરા કર્યા હતા. તેણે 35મી સેન્ચુરી પણ ફટકારી હતી. તે વિશ્વભરના ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારનારાઓમાં કોહલી (પંચાવન સદી) અને સચિન (49 સદી) પછી ત્રીજા નંબરે છે. રિકી પૉન્ટિંગ (30 સદી) ચોથા નંબરે છે.

રોહિતની 35મી સેન્ચુરી

રોહિત (Rohit) 12,000 રન પૂરા કરનાર તમામ સાત બૅટ્સમેનોમાં સચિન તેન્ડુલકર, રિકી પૉન્ટિંગ અને કુમાર સંગકારાથી ઝડપી છે, કારણકે આ ત્રણ બૅટિંગ લેજન્ડે 12,000 રન અનુક્રમે 300, 314 અને 336 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા. વન-ડેમાં 12,000 રન પૂરા કરનારાઓમાં સચિન, કોહલી, પૉન્ટિંગ, સંગકારા, જયસૂર્યા, જયવર્દને અને રોહિતનો સમાવેશ છે.

ગિલે રોહિતની સામે તેનો જ રેકૉર્ડ તોડ્યો

કૅપ્ટન શુભમન (Shubhman) ગિલે 62 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. તેણે સામા છેડા પર ઊભેલા રોહિત શર્માનો જ ભારતીય વિક્રમ તોડ્યો હતો. રોહિતે 2023ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 63 બૉલમાં સદી પૂરી કરી હતી.