અમરાવતી: અનેક મહિલા-યુવતીઓ સાથે વાંધાજનક વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા પરતવાડાના ‘રીલસ્ટાર’ અયાન અહમદની તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. પોલીસ તપાસમાં જણાયું હતું કે અયાને પોતાના મોંઘા શોખ પૂરા કરવા માટે તેની માતાના સોનાના દાગીના ચોરીને વેચી માર્યા હતા.
પરતવાડાના અશ્ર્લીલ કાંડમાં ધરપકડ કરાયેલા અયાન સહિત ચાર આરોપીની પોલીસ કસ્ટડી છ દિવસ વધારવામાં આવી છે. પોલીસ અયાન અને તેના સાથીઓની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ 19 વર્ષના અયાનના ઈન્સ્ટાગ્રામ પર 18 હજાર ફોલોઅર્સ હતા. મેળઘાટની કૉલેજમાં તેણે નામ ખાતર એડ્મિશન લીધું હતું, પરંતુ તેનું બધું ધ્યાન રીલ બનાવવા પર હતું. આ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ તેણે અનેક છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી. એ છોકરીઓ સાથે અશ્ર્લીલ વીડિયો બનાવતો અને તસવીરો પણ પાડતો.
અયાન તેની રીલ્સમાં મોરી રકમ અને કીમતી વસ્તુઓ દેખાડીને પોતાની એક ઈમેજ બનાવી રહ્યો હતો. કહેવાય છે કે આલીશાન હોટેલ્સમાં જવું, છોકરીઓ પર નાણાં ખરચ કરવાં અને બ્રાન્ડેડ મોબાઈલનો તેને શોખ હતો. આ શોખ પોષવા તેને રૂપિયાની સતત જરૂર રહેતી. આર્થિક સગવડની લાયમાં તેણે ઘરમાંની સોનાની વસ્તુઓ ચોરવા માંડી. માતાના દાગીના ચોરીને તેણે વેચી નાખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
સોશ્યલ મીડિયાના ફોલોઅર્સ પર પ્રભાવ પાડવા તેણે થાર કાર અને પિસ્તોલ સાથે પણ રીલ બનાવી હતી. જોકે એ કાર તેના મિત્રના પિતાની હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. વળી, રીલમાં દેખાતી ઍરગન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.