Mon Oct 05 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન ગણાય છે કાચું આદું

2026-09-29 08:10:00
Author: Srilekha Yagnik
સ્વાસ્થ્ય સુધાઃ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન ગણાય છે કાચું આદું

 

શ્રીલેખા યાજ્ઞિક

ચોમાસું શરૂ થાય તેની સાથે વરસાદની મોજ માણવામાં આવતી હોય છે. તેમાં વળી વરસાદી મોસમના અનેક વેલાંના શાકભાજી -ફળો ખાવાનો આનંદ માણવાની એક અલગ જ મજા હોય છે. અનેક રસિયાઓ વરસાદ પડે તેની સાથે બજારમાં ખાસ મળતાં કાચા સફેદ રંગના આદુંની આતુરતાથી રાહ જોતા હોય છે. આ કાચું આદું સ્વાદમાં ઓછું તીખું તેમ જ નરમ હોય છે. તેમાં રેસાનું પ્રમાણ હોતું જ નથી. સાદા આદુંની સરખામણીમાં તેમાં તીખાશનું પ્રમાણ ઓછું હોય છે. આજકાલ તો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો આ વરસાદી મોસમમાં ખાસ ચાર માસ મળતાં આદુંના દીવાના બની ગયેલાં જોવા મળે છે. 

અનેક રસિયાઓ આ કાચા આદુંને 500 ગ્રામ કે 1 કિલો લાવીને તેને છીણી લે છે. તેમાં લીંબુ તેમ જ સંચળ ભેળવીને રોજ સવારે ભોજનમાં તેનો ઉપયોગ કરતાં હોય છે. સામાન્ય રીતે સૂકા મસાલાની સાથે આપણું ભોજન બનાવતી વખતે તેમાં આદું-મરચાંને વાટીને કે ઝીણાં સમારીને ખાસ દાળ-શાકમાં ભેળવવામાં આવે છે. 

આયુર્વેદમાં તેને એક ચમત્કારીક ઔષધિ ગણવામાં આવે છે. આપણાં આયુર્વેદમાં ખાસ જણાવવામાં આવેલું છે કે ભોજન સપ્રમાણ માત્રામાં કરવું આવશ્યક છે. તેમ જ ભોજનમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો જરૂરી છે. કુમળું કુમળું કાચું આદું સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. તેનો સ્વાદ એટલો તો ચટપટો સ્વાદિષ્ટ લાગે છે કે એક વખત ભાણાંમાં પીરસાયું હોય તો તેને બીજી વખત લેવાનું મન રોકી શકાતું નથી. 

કાચા આદુંના સ્વાસ્થ્ય લાભ : 

પાચન શક્તિ વધારે છે : આદુંમાં જિંજરોલ નામક સત્ત્વ સમાયેલું હોય છે. જે પાચન તંત્રને સક્રિય કરવામાં મદદ કરે છે. જેને કારણે ભોજન સરળતાથી પચવામાં મદદ મળે છે. 

શરદી-ખાંસીમાં રાહત : કાચું આદું કફને કારણે ગળામાં દુખાવો થવો કે સૂકી ઊઘરસની તકલીફ કે પછી મોસમમાં બદલાવને કારણે તાવ આવવો જેવી નાની-મોટી તકલીફમાં રાહત આપે છે. શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 

સોજા-દુખાવામાં લાભકારક : મોસમમાં બદલાવને કારણે અનેક લોકોને થોડું વધુ ખારું કે ખાટું ભોજન ખાવામાં આવે કે શરીર ઉપર સોજા આવી જતાં હોય છે. જેને કારણે શરીરમાં ઝીણો દુખાવો રહ્યા કરે છે. આદુંની ગણતરી  કુદરતી ઍન્ટિ ઈન્ફ્લેમેટરી ભોજનમાં કરવામાં આવે છે. કાચા આદુંનું સેવન નિયમિત સવારના સમયે પ્રમાણભાન રાખીને કરવાથી સાંધાનો દુખાવો. માથામાં દુખાવો કે શરીર ઉપર દેખાતાં સોજામાં રાહત આપે છે. 

વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : વરસાદી મોસમમાં મળતું કાચું આદું એટલું તો કૂણું હોય છે કે તેનું સેવન કરવાનું મન રોકી શકાતું નથી. તેને છીણીને કે તેની કતરણ કરીને ખાઈ શકાય છે. તેનો ઉપયોગ કરીને આદું-ગોળ-મરી-તજને પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવાથી ચોમાસામાં ઝડપથી ફેલાતા રોગથી રાહત મેળવી શકાય છે. આદુંનું સેવન કરવાથી મેટાબોલિઝમ તેજ બને છે. જેને કારણે શરીર ઉપર જામી ગયેલાં ચરબીના થર પીગળવા લાગે છે. સાથે પૂરતાં પ્રમાણમાં વ્યાયામ કરવો આવશ્યક છે. આમ વજનને નિયંત્રણમાં રાખવા માટે કાચા આદુંની કતરણ કે કાચા આદુંનો કાઢો અક્સીર ઉપાય ગણાવી શકાય. 

ડાયાબિટીસમાં ગુણકારી : ડાયાબિટીસના દર્દીઓ માટે કાચા આદુંનું સેવન અત્યંત ગુણકારી ગણાય છે. આદું લોહીમાં શર્કરાની માત્રાને સમતોલ રાખવામાં મદદ કરે છે. 

આદુંનું સેવન ડાયાબિટીસને કારણે શરીરમાં પ્રવેશતી અન્ય બીમારી જેવી કે મોતિયાબિંદું, લિવર કે કિડનીને ધીમું નુકસાન તેમજ અચાનક વજન ઘટવાની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. ઑસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં કરવામાં આવેલાં એક અભ્યાસ મુજબ આદુંનું પ્રમાણભાન રાખીને કરવામાં આવતું નિયમિત સેવન ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઔષધિ ગણાય છે. આદુંમાં સમાયેલાં પોષક તત્ત્વો ગ્લુકૉઝ વગર સ્નાયુની કોશિકા સુધી પહોંચાડવાની પ્રક્રિયા વધારી શકે છે. જેને કારણે લોહીમાં વધેલી શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 

પાચનક્રિયા માટે અતિગુણકારી : આદુંની ખેતી હજારો વર્ષથી ભારતમાં થતી આવે છે. તેમાં પણ કાચા અદુંનું સેવન પાચનક્રિયાને સુધારવા માટે અતિ ગુણકારી ગણાય છે. એવું કહેવાય છેે કે પેટમાં ગેસ થવો કે પેટ ફૂલી જવું કે વારંવાર ચૂંક આવવાની તકલીફ હોય તેમને માટે આદુંનું સેવન અતિઆવશ્યક બની જાય છે. આદુંનું સેવન કરવાથી માંસપેશીઓને આરામ મળે છે. કાચા આદુંને છીણીને તેની ઉપર સંચળ તેમજ લીંબુનો રસ ભેળવીને ખાવાથી મોઢામાં લાળ વધે છે. જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. 

એવું પણ કહેવાય છે કે ભારી ભોજન બાદ સૂકા આદુંની કતરણ ખાવાથી કે આદુંની ચા પીવાથી પેટની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. અનેક વખત બહારનું ભોજન ખાવાથી ખોરાકી ઝેરની અસરને કારણે પેટમાં ગરબડ થાય છે. તે સમયે કાચા આદુનું સેવન કરતાં રહેવાથી રાહત મેળવી શકાય છે.બાળકોના પેટમાં કૃમિની તકલીફ હોય કે અપચાની તકલીફમાં આદુંનું સેવન અક્સીર ઉપાય આયુર્વેદમાં ગણાવ્યો છે. 

આદુંનું સેવન પ્રવાસ સમયે થતી તકલીફમાં રાહતદાયક : અનેક વ્યક્તિને પ્રવાસ સમયે કે ઊંચાણવાળાં સ્થળોના પ્રવાસ સમયે ચક્કર આવવાં કે ઉબકા આવવાં કે ઊલટી થવાની તકલીફ થવા લાગે છે. તો કિમોથેરપીની સારવાર બાદ દર્દીને વારંવાર ઊબકા આવવાં કે ચક્કરની સમસ્યા સતાવતી હોય છે. 

અનેક વખત એવું જોવા મળે છે કે કિમોથેરપી પહેલાં દર્દીને ઊબકાં કે ઊલટીની તકલીફ ના થાય તે માટે ખાસ દવા આપવામાં આવે છે. તેમ છતાં 90 ટકા દર્દીને ઊબકાં-ઊલટીની તકલીફ જોવા મળે છે. આવા સંજોગોમાં કિમોથેરપી પહેલાં-પછી દર્દીને કાચા આદુંમાં લીંબુ-સંચળ ભેળવીને આપવાથી મહદઅંશે રાહત મળે છે. તેનું મુખ્ય કારણ આદુંનું સેવન કરવાથી મસ્તિષ્ક તેમ જ સ્વાદેન્દ્રિય ઉપર ચક્કર આવવાં કે ઊલટી જેવું થવાની તકલીફમાં રાહત મળે છે.

સાંધાના દુખાવામાં કાચું આદું વરદાન સમાન : કાચા આદુંનું સેવન માંસપેશિયોમાં થતાં દુખાવાની સાથે સોજાને દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. કેમ કે આદુંમાં જીંજરોલ નામક એક અસરકારક પદાર્થ સમાયેલો હોય છે. હૉંગકૉંગમાં થયેલાં એક અભ્યાસ મુજબ આદું તથા સંતરાના તેલની માલિશ કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસના દર્દીઓ દ્વારા નિયમિત રીતે આદુંનું સેવન કરવાથી દુખાવામાં રાહતની સાથે હરવા-ફરવામાં સુગમતા રહે છે. અસહ્ય દુ:ખાવાની ફરિયાદ રહેતી નથી. 

કાચું આદું એક શક્તિશાળી ઍન્ટિ-ઓક્સિડન્ટ છે : ભારતીય આયુર્વેદિક ગ્રંથો તેમ જ વિશ્ર્વમાં થયેલાં અધ્યયનો દ્વારા જાણવા મળે છે કે આદુમાં ઍન્ટિ -ઓક્સિડન્ટની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. કેમ કે તે ફ્રિ રેડિકલ્સની સામે સુરક્ષા પ્રદાન કરે છે. 

વય વધવાની સાથે દેખાતી વિવિધ બીમારી જેવી કે હૃદય રોગ, ડાયાબિટીસ, અલ્ઝાઈમર્સ, આર્થરાઈટિસ તેમ જ સાંધાના દુખાવા જેવા રોગથી બચાવે છે. સામાન્ય રીતે પ્રત્યેક મસાલામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું હોય છે. આદુંમાં અલગ-અલગ 25 પ્રકારના ઍન્ટિ-ઓક્સિડન્ટની વિશેષતા સમાયેલી હોય છે. તેથી જ આદુંનું નિયમિત સેવન કરવાથી શરીરના અલગ-અલગ અંગોમાં રહેલાં ફ્રિ-રેડિકલ્સની સામે લડવામાં અસરકારક ગણાય છે. 

કાચા આદુંમાંથી તેની કતરણ બનાવીને તેની ઉપર સંચળ-લીંબુ ભભરાવીને ખાઈ શકાય છે. કાચા આદુંની ચા પી શકાય છે. અથવા કાચા આદુંનું અથાણું બનાવીને તેની લહેજત માણી શકાય છે. વળી આ કાચા આદુંનો ઉપયોગ દાળ-શાકમાં કરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તેની સૂકવણી કરીને લાંબો સમય ઉપયોગમાં લઈ શકાય છે.                                                     

કાચા આદુંનો ગોળવાળો કાઢો

સામગ્રી : 50 ગ્રામ કાચા આદુંની છીણ, 4 ગ્લાસ પાણી, 1 નાનો ટુકડો તજ, 3-4 નંગ મરી, 2 નંગ એલચી, 1 મધ્યમ વાટકી ગોળ, 2 ચમચી લીંબુનો રસ.

બનાવવાની રીત : સૌ પ્રથમ આદુંને બરાબર સાફ કરી લેવું. ત્યારબાદ તેને પાણીમાં ડૂબાડીને રાખવું. ત્યારબાદ તેને બહાર કાઢીને થોડું સૂકવવું. એક તપેલીમાં 4 ગ્લાસ પાણી લેવું. તેમાં 50 ગ્રામ આદુંની છીણ ઉમેરવી. તેમાં 1 મધ્યમ વાટકી ગોળ ઉમેરવો. સ્વાદ માટે 1 નાનો ટુકડો તજ, 3-4 નંગ મરી તેમ જ 2 નંગ એલચી ઉમેરવી. પાણીને બરાબર ઉકાળી લેવું. ગોળ ઓગળી જાય ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ 2ચમચી ભેળવવો. ગરમા-ગરમ કાઢો પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થવા લાગશે. શરીર તાજગીસભર બની જશે.