Tue Oct 06 2026

Logo

ગોરખપુર જળબંબાકારઃ ભાજપના સાંસદના ઘર સામે પાણી ભરાયાઃ લોકોએ લખ્યું 'હમકે લગરહા સ્પેનબા...'

2026-09-27 15:40:20
Author: Mumbai Samachar Team
ગોરખપુર જળબંબાકારઃ ભાજપના સાંસદના ઘર સામે પાણી ભરાયાઃ લોકોએ લખ્યું 'હમકે લગરહા સ્પેનબા...'

ગોરખપુરઃ ઉત્તરપ્રદેશ (યુપી)ના ગોરખપુરમાં બારે મેઘ ખાંગા થતા રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે. ભાજપના સાંસદની લોકોએ ટીકા ટિપ્પણી કરી હતી. ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશનના રામગઢતાલ લેક વ્યૂ લેન ખાતેના આવાસનો વીડિયો વાયરલ છે. ભારે વરસાદના લીધે રવિ કિશનના મકાનની સામે પાણી ભરાઈ જવાને કારણે લોકોએ તેમની સ્માર્ટ સિટીના નામે ઝાટકણી કાઢી હતી.

આ વાયરલ વીડિયોમાં રવિ કિશનના ઘરની બહાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. યુઝર્સે ગોરખપુરને 'સ્પેન' કહેતા પ્રહારો કર્યા છે. સ્થાનિક લોકો પણ સ્પેન સ્પેન કહીને મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. ગોરખપુરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થયા હતા. અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના લીધે વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. 

વરસાદ વચ્ચે સાંસદ રવિ કિશન પણ મોડી સાંજે શહેરની હાલચાલ જાણવા માટે નીકળ્યા હતા. તેમની સાથે ગોરખપુરના ડીએમ દીપક મીણા, પાલિકા કમિશનર અજય જૈન અને મેયર ડો. મંગલેશ શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા. ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સતત વરસાદ વચ્ચે પ્રસાશન અને પાલિકાની ટીમો પર પાણીના નિકાલ માટે દબાણ વધી ગયું છે. 

ગોરખપુરની સ્પેન સાથે તુલના 
રવિ કિશનના રહેઠાણ બહાર જળબંબાકારની સ્થિતિનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર 'સ્પેન'ને લઈને કમેન્ટ કરવામાં આવી રહી છે. જે રવિ કિશનના જૂના સ્પેન નિવેદનને લઈને કરવામાં આવી રહ્યું છે.  ભાજપના સાંસદ રવિ કિશને 29 ઓગસ્ટ 2026એ એક કાર્યક્રમમાં મંચથી પોતાના ભોજપુરી અંદાજમાં કહ્યું હતું, 'હમકે લગરહા સ્પેન, હમકે લગરહા એ અદભૂત જગહ. હમકો સ્માર્ટ સીટી લાગત બા..' અન્ય લોકોએ પણ સ્માર્ટ સિટીના નામે આકરી ટીકા કરી હતી.

તેમણે ગોરખપુરના વિકાસના વખાણ કરતા આગળ કહ્યું કે જે લોકો શહેરના વિકાસને નથી જોઈ શકતા, તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. આ નિવેદન સાંભળી મંચ પર હાજર સીએમ યોગી આદિત્યનાથ પણ હસી પડ્યા હતા. બાદમાં સોશિયલ મીડિયા પર રવિ કિશનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. 

રવિ કિશન અને કોર્પોરેટર વચ્ચે વિવાદ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે બેતિયાહાતા વોર્ડના કોર્પોરેટર વિશ્વજીત ત્રિપાઠીએ સાંસદ રવિ કિશનને ફોન કરીને શહેરની સ્થિતિ અંગે જાણકારી આપી હતી. ફોન પર વાતચીત દરમિયાન પાણી ભરાઈ જવા અને તેના નિકાલ મુદ્દે ચર્ચા થઈ રહી હતી, ત્યારે રવિ કિશને કોર્પોરેટરને પૂછ્યું હતું કે, 'સપા જોઈન કરી લીધું છે કે શું?' તેના જવાબમાં વિશ્વજીત ત્રિપાઠીએ પણ કહ્યું હતું કે 'સાંસદજી, તમે બસપા જોઈન કરી લીધી છે કે શું?' આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.