Tue Oct 06 2026

Logo

રાજકોટમાં સ્પાના નામે સેક્સનો ધંધોઃ 1000 એન્ટ્રી ફી સિવાય ‘એક્સ્ટ્રા સર્વિસ’ના કેટલા લેવાતા ?

2026-09-28 08:33:00
Author: Mumbai Samachar Team
રાજકોટમાં સ્પાના નામે સેક્સનો ધંધોઃ 1000 એન્ટ્રી ફી સિવાય ‘એક્સ્ટ્રા સર્વિસ’ના કેટલા લેવાતા ?

રાજકોટમાં સ્પાની આડમાં ચાલી રહેલા કથિત દેહવ્યાપારના ધંધાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પર્દાફાશ કર્યો હતો. રાજકોટના મવડી ચોક પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે ચાલતા મૂન લાઇફ ફેમેલી વેલનેસ સ્પામાં પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન દેહવ્યાપારમાંથી ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી.

પોલીસની માહિતી મુજબ, સ્પામાં યુવતીઓને રાખીને મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવવામાં આવતા હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા હકીકતની ખરાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ડમી ગ્રાહક મોકલી તેમજ બે પંચોને સાથે રાખીને સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સ્પાની એન્ટ્રી ફી તરીકે ગ્રાહકો પાસેથી રૂ.1,000 રોકડા લેવામાં આવતા હોવાનો અને ત્યારબાદ કથિત રીતે “એક્સ્ટ્રા સર્વિસ”ના નામે શરીરસંબંધ માટે ગ્રાહકદીઠ રૂ.2,500 અલગથી લેવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

પોલીસના જણાવ્યા મુજબ, સ્પા સંચાલકો અન્ય યુવતીઓ પાસે કથિત દેહવ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવતા હતા. દરોડા દરમિયાન પોલીસે એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.9,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં હર્ષ જયેન્દ્રભાઈ રાજદેવ, ઉંમર 22,ની ધરપકડ કરી હોવાનું જણાવાયું છે. જ્યારે ધ્રુવ જયેન્દ્રભાઈ રાજદેવ, ઉંમર 21,ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટની એક યુવતીની સંડોવણી અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કરી હતી.

પોલીસ હવે સ્પા સાથે સંકળાયેલા અન્ય લોકો, ગ્રાહકો તેમજ સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.