Thu Oct 08 2026

Logo

‘વેલનેસ’ના નામે ધમધમતું હતું કુટણખાનું! મિઝોરમની યુવતી સાથે પુરૂષ કઢંગી સ્થિતિમાં પકડાયો

2026-09-26 18:16:49
Author: Mumbai Samachar Team
‘વેલનેસ’ના નામે ધમધમતું હતું કુટણખાનું! મિઝોરમની યુવતી સાથે પુરૂષ કઢંગી સ્થિતિમાં પકડાયો

રાજકોટઃ રાજકોટ શહેરમાં સ્પાના બેનર હેઠળ ધમધમતા કુટણખાના પર પોલીસે દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજકોટ શહેરની શાન સમા યાજ્ઞિક રોડ પર આવેલા સનસાઈન વેલનેસ સ્પામાં કુટણખાનું ધમધમી રહ્યું છે એની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે દરોડા પાડીને સંચાલક શંકર સોનીની ધરપકડ કરી છે. આ સાથે કોડીનાર, મિઝોરમ અને ત્રિપુરાની યુવતીઓને મુક્ત કરી છે. એન્ટ્રી ફીના નામે ₹1000 અને એકસ્ટ્રા સર્વિસના ₹2500 લેવામાં આવતા હતા. 

ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા

પોલીસ રિપોર્ટમાંથી વિગત અનુસાર, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PI પી. એન. પઢિયારની રાહબરીમાં શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સનસાઈન વેલનેસમાં કુટણખાનું ધમધમી રહ્યું છે. રામકૃષ્ણ આશ્રમની સામે રાજેશ્વરી કોમ્પ્લેક્સમાં,ચોથા માળે સનસાઈન વેલનેસમાં દેહવ્યાપારની પ્રવૃતિ થઈ રહી છે. ટીમે એક ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો.

વેલનેસમાં કાઉન્ટ પર એક વ્યક્તિ હતો, જેનું નામ પૂછતા શંકર અર્જુન સોની હોવાનું જાણવા મળ્યું હતું. સ્પાના માલિક અંગે પૂછતા તે પોતે જ સ્પાનો માલિક હોવાનું જાણવા મળ્યું. એ પછી સમગ્ર ટીમ આવી જતા ટીમે દરેક રૂમ ચેક કર્યા હતા. એ સમયે અંદરથી એક સ્ત્રી સાથે એક પુરૂષ કઢંગી સ્થિતિમાં મળી આવ્યો હતો. મિઝોરમથી રાજકોટ આવેલી યુવતી અહીંયા કામ કરતી હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ ગ્રાહકને શંકરે જ મોકલ્યો હતો. 

યુવતીને મુક્ત કરી

અહીંયા કામ કરતી દરેક યુવતીને ગ્રાહક દીઠ રકમ આપવામાં આવે છે. રકમ જુદી જુદી હોય છે. સંચાલક પણ ₹1000 આ યુવતી પાસેથી લઈ લે છે. પોલીસે વધુ પૂછપરછ કરતા યુવતીઓ મજબૂરીમાં આવું કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ તમામ યુવતીને મુક્ત કરી છે અને સંચાલકની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કલમ ઉમેરીને પગલાં લીધા છે. રાજકોટ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટર અને વેલનેસ સેન્ટરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સમયાંતરે પોલીસ ચેકિંગ પણ કરે છે. ગેરકાયદે પ્રવૃતિ સામે આવે તો પોલીસ કાર્યવાહી પણ કરે છે.