Tue Oct 06 2026

Logo

રાહુલ ગાંધીએ સીઇસીનું રાજીનામું માંગ્યું, કહ્યું ભાજપની જીતનું રહસ્ય સમજી ગયો

2026-09-24 19:28:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ સીઇસીનું રાજીનામું માંગ્યું, કહ્યું ભાજપની જીતનું રહસ્ય સમજી ગયો

નવી દિલ્હી: દેશમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર  થઇ રહેલા આક્ષેપ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ પર એન્ટિ ઇન્કમબન્સી અસર ન થવી તેમની માટે એક પ્રશ્ન હતો. પરંતુ આજે તેમને તમામ સવાલોના જવાબ મળી ગયા છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું પણ માંગ્યું છે. 


આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી સહિતની તમામ ચૂંટણીઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે. તેમજ વોટની સુરક્ષા કરવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. જ્ઞાનેશ કુમાર અંગે બે ચૂંટણી કમિશનરો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા જોકે, તેમની સામે કોઈ કેસ દાખલ કરી શકાતો નથી. 

મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ

રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું હતું કે મત ચોરીની તપાસ થવી જોઈએ, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે આવી ચોરી થાય. મતોની ચોરી દ્વારા ચૂંટાયેલા સાંસદો સંસદમાં કાયદા બનાવી રહ્યા છે. આ પ્રક્રિયા દ્વારા સાંસદો અને ધારાસભ્યો ચૂંટાઈ રહ્યા છે.  ચૂંટણી કમિશનરોની કાનૂની સુરક્ષાના લીધે ધરપકડ કરી શકાતી નથી. મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ.

ભારતમાં 'એન્ટી-ઇન્કમબન્સી ફેક્ટર અસ્તિત્વમાં 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારતમાં 'એન્ટી-ઇન્કમબન્સી ફેક્ટર અસ્તિત્વ ધરાવે છે.જે સત્તાધારી પક્ષ સામેના વિરોધની એવી લહેર છે જે ખૂબ જ ઝડપથી કોઈપણ સરકારની વિરુદ્ધ થઈ જાય છે. જયારે ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને તેઓ તેમની લોકપ્રિયતાના શિખર પર હતાં. તેમ છતાં અચાનક માત્ર એક કે બે વર્ષમાં જ તેમણે સત્તાવિરોધી જુવાળની પ્રચંડ લહેર અને ભારે દબાણનો સામનો કરવો પડ્યો હતો. 

ભાજપને એન્ટી-ઇન્કમબન્સી ફેક્ટર અસર નથી કરતું

તેમણે જણાવ્યું કે એન્ટી-ઇન્કમબન્સી ફેક્ટર અસ્તિત્વમાં હોવા છતાં ભાજપને તે અસર નથી કરતું તેનું કારણ હવે સમજાયું છે. જેમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આ ફેક્ટર અચાનક ગાયબ થઇ જાય છે. જે સમગ્ર બાબતને સ્પષ્ટ કરે છે. 

મતનું રક્ષણ કરવાની જવાબદારી ચૂંટણી પંચની

રાહુલ ગાંધીએ કહ્યું કે સદ્દામ હુસેનના ઈરાકમાં એન્ટી-ઈન્કમબન્સી નથી હોતી. ઉત્તર કોરિયામાં પણ નથી.પરંતુ દુનિયામાં એવી કોઈ લોકશાહી નથી જ્યાં એન્ટી-ઈન્કમબન્સી અસ્તિત્વમાં ન હોય. આપણા બંધારણને મતમાંથી શક્તિ મળે છે અને તે મતનું રક્ષણ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. 

તનું અસ્તિત્વ જ ન રહે તો બંધારણનું અસ્તિત્વ પણ જોખમમાં 

તેમજ બંધારણમાંથી કાયદા બને છે અને તે કાયદાઓમાંથી સંસ્થાઓ રચાય છે. આ એક સાંકળ છે. જો મતનું અસ્તિત્વ જ ન રહે તો આપણા બંધારણનું અસ્તિત્વ જોખમમાં મુકાશે. જો બંધારણ નહિ રહે તો આપણા કાયદા ગેરકાયદે બની જાય. અને જો કાયદા જ ગેરકાયદે હોય તો આપણી સંસ્થાઓનું કોઈ મહત્વ રહેતું નથી.