(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ એક મોટી કાર્યવાહી કરતા 8.5 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે રૂ. 2.80 કરોડ આંકવામાં આવી છે.
ડીઆરઆઇએ ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી 22 વર્ષીય મુસાફર કમલ રોશન લાલની ધરપકડ કરી હતી, જે અમૃતસરથી દિલ્હી થઈને એર ઈન્ડિયા એક્સપ્રેસની કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા સુરત પહોંચ્યો હતો. અધિકારીઓએ પેસેન્જરના ચેક-ઈન સામાનની તપાસ કરતા આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
તપાસકર્તાઓના મતે, આરોપી કમલ માત્ર એક કેરિયર તરીકે કામ કરી રહ્યો હતો અને આ હાઈ-વેલ્યુ ડ્રગ્સ કદાચ મુંબઈ મોકલવાનું હતું, જોકે તેની અંતિમ ડિલિવરી ક્યાં થવાની હતી તેની તપાસ હજુ ચાલુ છે. ડીઆરઆઈએ અમૃતસર-દિલ્હી-સુરતના આ અસામાન્ય રૂટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રગ માફિયાઓ પકડાઈ જવાની બીકે હવે પરંપરાગત રસ્તાઓ છોડીને નવા ડોમેસ્ટિક રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવતા ગાંજાના જથ્થા પકડાયા હતા, પરંતુ સ્થાનિક ફ્લાઈટ દ્વારા થયેલી આ હેરાફેરીથી સુરક્ષા એજન્સી વધુ સતર્ક બની છે.