Mon Oct 05 2026

Logo

ભુજ-માંડવી માર્ગ પર શિવપારસ પાસે ચાલુ ટ્રેઇલરમાંથી પાઇપો રસ્તા પર ખર્યા: મોટી હોનારત ટળી

2026-09-30 13:56:00
Author: Mumbai Samachar Team
ભુજ-માંડવી માર્ગ પર શિવપારસ પાસે ચાલુ ટ્રેઇલરમાંથી પાઇપો રસ્તા પર ખર્યા: મોટી હોનારત ટળી

બિનસલામત રીતે વહન સામે પોલીસ-આરટીઓનું ભેદી મૌન: શંકાસ્પદ નંબર પ્લેટ મુદ્દે નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

ભુજ: ભારેખમ વાહનોમાં લોખંડના વિશાળ પાઇપોને સલામત રીતે બાંધ્યા વિના બેદરકારીપૂર્વક હંકારવાના કારણે ચાલુ વાહને પાઇપો માર્ગ પર ખરી પડવાની વધુ એક ગંભીર ઘટના ભુજ-માંડવી હાઇવે પર શિવપારસ નજીક સામે આવી છે. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પાછળ આવી રહેલો એક છકડો રિક્ષા અડફેટે આવી જતાં મોટો અકસ્માત સર્જાતાં સહેજમાં અટકી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુંદરા બંદરેથી ખાવડા તરફ વિશાળ પાઇપો ભરીને જઈ રહેલા ટ્રેઇલરમાંથી અચાનક દોરડાં તૂટી જતાં તોતિંગ પાઇપો મુખ્ય માર્ગ પર ધડાકાભેર પટકાયા હતા. એકાદ માસ પૂર્વે પણ ભુજમાં પ્રિન્સ રેસિડેન્સી સામે આ જ પ્રકારે ટ્રેઇલરમાંથી પાઇપો પડતાં એક કાર કચડાઈ ગઈ હતી અને ગુનો નોંધાયો હતો, તેમ છતાં તંત્રના આંખ આડા કાનના કારણે ઘટનાનું પુનરાવર્તન થયું છે. સ્થાનિક લોકોએ સ્થળ પર જઈ તપાસ કરતાં બહાર આવ્યું હતું કે આટલા વજનદાર પાઇપોને બાંધવા માટે અત્યંત નબળી ગુણવત્તાવાળી દોરીઓ વાપરવામાં આવી હતી.

આ ઉપરાંત ટ્રેઇલરની આગળની કેબિન અને પાછળના ઠાંઠા પર અલગ-અલગ નંબર પ્લેટ જોવા મળી હતી તેમજ પાછળના નંબર પર કોઈ પદાર્થ ચોંટાડીને ચેડા કરાયા હોવાનું સ્થાનિક જાગૃતોના ધ્યાને આવ્યું હતું.

સુખપરના સામાજિક અગ્રણી રામજીભાઈ વેલાણીએ આ ગંભીર બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ચાલુ વર્ષે ૧૨ મેના રોજ આ જ ભુજ-માંડવી માર્ગ પર ટ્રેઇલરે એક્ટિવાચાલક વિધિ વાઘેલાને એક કિલોમીટર સુધી ઢસડીને મોતને ઘાટ ઉતારી હતી. કચ્છમાં પવનચક્કીઓ અને ઉદ્યોગોના સાધન-સામગ્રીના પરિવહનમાં ભારે ટ્રેઇલરો યમદૂત સમાન બની ગયા છે. વાહનોમાં ક્લીનર રાખવાના નિયમનું પાલન થતું નથી, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધ્યું છે. આવા જોખમી વાહનો સામે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા સઘન ફિટનેસ તથા લોડિંગ ચેકિંગ હાથ ધરાય તેવી લોકમાંગ પ્રબળ બની છે.

ઉત્સવ વૈદ્ય