Tue Oct 06 2026

Logo

'પાઇલટ સ્મિતની રગોમાં ગુજરાતી ખુમારી, વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાશે!' ભૂપેન્દ્ર પટેલે કર્યાં વખાણ

2026-10-01 14:44:00
Author: Devayat Khatana
'પાઇલટ સ્મિતની રગોમાં ગુજરાતી ખુમારી, વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાશે!' ભૂપેન્દ્ર પટેલે કર્યાં વખાણ

અમદાવાદ: દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે,  ભારતીય પાઇલટ સ્મિત મચ્છર અને કેટલાક બહાદુર ઈઝરાયલી નાગરિકોની હિંમત અને સમયસૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મૂળ ગુજરાતના પાઇલટ કેપ્ટન સ્મિતના ઇઝરાયલના વડા પ્રધાનથી લઈને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. ત્યારે હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સ્મિત મચ્છારના વખાણ કરીને તેનું સન્માન કરવાની જાહેરાત કરી છે. 

વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાશે 
ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઈટ પર થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ હોવા છતાં 174 મુસાફરનો જીવ બચાવનાર મૂળ ગુજરાતના પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરના અદમ્ય સાહસની આજે સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને તેમની આ શૌર્યગાથાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે કેપ્ટનની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર રાજ્ય અને દેશને અત્યંત ગર્વ છે. પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર કેપ્ટન સ્મિતના આ અસાધારણ સાહસ અને માનવતાભર્યા કાર્યની કદર રૂપે, ગુજરાત સરકાર દ્વારા તેમને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સોમનાથ મંદિરમાં વિશેષ મહાપૂજા
પોતાના જીવના જોખમે અનેક લોકોની જિંદગી બચાવનાર આ જાંબાઝ નાયક ઝડપથી સાજા થાય તે માટે સમગ્ર દેશ અને ગુજરાતવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે. કેપ્ટન સ્મિત મચ્છારના ઝડપી સ્વાસ્થ્ય લાભ અને દીર્ઘાયુ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મહાપૂજા અને 'આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન' કરવામાં આવી રહ્યું છે. દેશવાસીઓની સામૂહિક સંવેદનાઓ અને પ્રાર્થનાઓ કેપ્ટન સ્મિતની સાથે છે અને દેવાધિદેવ સોમનાથ દાદા તેમને જલ્દીથી પૂર્ણતઃ સ્વસ્થ કરે તેવી મંગલ કામનાઓ કરવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છારની પ્રશંસા કરી છે. વડા પ્રધાન  મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છાર એક હીરો છે, તેમણે લખ્યું કે ખૂબ ગંભીર જોખમની સામે અને પોતે ખૂબ જ ઘાયલ હોવા છતાં કેપ્ટને બીજાની જિંદગી બચાવવા માટે અસાધારણ સાહસ દેખાડ્યું છે. તેમણે કહ્યું કે ભારતને કેપ્ટન મચ્છાર પર ગર્વ છે.