દિવ્યકાંત પંડ્યા
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘મોન્સ્ટર’ની જાહેરાત થઈ. રસપ્રદ વાત એ છે કે મોટા ભાગના સમાચારોમાં તેને માત્ર સલમાન ખાનની નવી ફિલ્મ તરીકે નહીં, પરંતુ ‘પૅન ઇન્ડિયા ફિલ્મ’ તરીકે રજૂ કરવામાં આવી. ફિલ્મની વાર્તા શું છે અથવા ફિલ્મમાં બીજા કોણ કોણ છે તેની ચર્ચા શરૂ થાય એ પહેલાં જ એક શબ્દ સતત સાંભળવા મળ્યો: ‘પૅન ઇન્ડિયા.’
આજે ફિલ્મ્સની જાહેરાતો જોવામાં આવે તો ઘણીવાર એવું લાગે છે કે ફિલ્મનું નામ આવે એ પહેલાં ‘પૅન ઇન્ડિયા’ શબ્દ આવી જાય છે.
આ જ વાત એક રસપ્રદ સવાલ ઊભો કરે છે. આખરે ભારતીય સિનેમા આ ‘પૅન ઇન્ડિયા’ શબ્દ પાછળ આટલું ગાંડું કેમ થયું છે? અને સૌથી મહત્ત્વનો સવાલ એ કે ફિલ્મ પૅન ઇન્ડિયા હોવાથી મોટી બને છે કે ખરેખર મોટી ફિલ્મ બની જાય પછી તેને પૅન ઇન્ડિયા કહેવામાં આવે છે?
અહીં મજાની વાત એ છે કે ભારતીય સિનેમા ભાષાની સીમાઓ લાંઘીને મુસાફરી કરતું આવ્યું છે. ‘પૅન ઇન્ડિયા’ શબ્દ ફેશન બન્યો એના ઘણાં વર્ષો પહેલાં ફિલ્મ્સ રાજ્ય, ભાષા અને પ્રદેશની સરહદો પાર કરી રહી હતી. રાજ કપૂર માત્ર હિન્દી પટ્ટાના સ્ટાર નહોતા. તેમના ચાહકો દેશની બહાર સુધી હતા. અમિતાભ બચ્ચનની ફિલ્મ્સ ભારતના વિવિધ વિસ્તારોમાં જોવામાં આવતી હતી.
મણિરત્નમની ‘રોજા’ અને ‘બોમ્બે’ દક્ષિણમાં બની હોવા છતાં સમગ્ર દેશમાં ચર્ચાઈ હતી. કમલ હાસનની ‘ઇન્ડિયન’, એસ. શંકરની ‘એન્થિરન’ (રોબોટ) જેવી ફિલ્મ્સે પણ ભાષાથી ઉપર જઈને દર્શકો મેળવ્યા હતા. એ વખતે લોકો દર બીજા દિવસે પૅન ઇન્ડિયા શબ્દનો ઉપયોગ નહોતા કરતા, છતાં ફિલ્મ્સ આખા દેશમાં પહોંચી રહી હતી.
હકીકતમાં સેટેલાઇટ ટીવીના જમાનાથી જ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. તેલુગુ અને તમિલ ફિલ્મ્સના ડબ વર્ઝન ઉત્તર ભારતમાં જોવામાં આવતા હતા. હિન્દી ફિલ્મ્સ દક્ષિણમાં લોકપ્રિય હતી. મલયાલમ સિનેમાએ પણ ધીમે ધીમે પોતાનો અલગ દર્શકવર્ગ બનાવી લીધો હતો. એટલે સારું સિનેમા ભાષાની સીમા તોડે છે એ કોઈ નવી વાત નહોતી. દર્શકોએ અચાનક સબટાઇટલ્સ વાંચવાનું શીખી લીધું એવું પણ નથી.
પણ પછી આવી ‘બાહુબલી’. એસ.એસ. રાજામૌલીની ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને પછી ‘બાહુબલી 2’એ વિચારસરણી બદલી નાખી. આ માત્ર એક તેલુગુ ફિલ્મ નહોતી રહી. આ સમગ્ર દેશની ઘટના બની ગઈ. ફિલ્મે સાબિત કર્યું કે ભાષા ગમે તે હોય, જો વાર્તા, સ્કેલ અને ઇમોશન કામ કરે તો આખો દેશ ટિકિટ ખરીદી શકે છે. અને કદાચ એ જ ક્ષણથી ‘પૅન ઇન્ડિયા’ શબ્દ માર્કેટિંગનું હથિયાર બની ગયો.
એ પછી ‘કેજીએફ’ આવી. પછી ‘પુષ્પા’. પછી ‘કાંતારા’. પછી ‘કલ્કિ 2898 એડી’. દરેક સફળતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક જ પાઠ શીખવ્યો કે હવે ફિલ્મને માત્ર એક રાજ્ય માટે નહીં, આખા દેશ માટે વેચી શકાય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આ દિશામાં પગલાં લીધાં. ‘જવાન’ જેવી ફિલ્મમાં દક્ષિણના ડિરેક્ટર એટલી, હિન્દી સુપરસ્ટાર શાહરુખ ખાન અને દેશવ્યાપી માર્કેટિંગ એકસાથે જોવા મળ્યાં. ધીમે ધીમે એવું બન્યું કે ફિલ્મને એક્શન, ડ્રામા કે થ્રિલર કહેવાને બદલે પૅનઇન્ડિયા કહેવાનું વધુ મહત્ત્વનું બની ગયું.
સાચુ પૂછો તો ખરેખર પૅન ઇન્ડિયા ફિલ્મ કહેવાય કોને?
માત્ર પાંચ ભાષામાં ડબ કરી દેવી પૂરતી છે? કદાચ નહીં. પૅન ઇન્ડિયા ફિલ્મમાં સામાન્ય રીતે કેટલાંક તત્ત્વો જોવા મળે છે. એક તો ફિલ્મને શરૂઆતથી જ વિવિધ ભાષાના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેનું રિલીઝ મોડેલ દેશવ્યાપી હોય છે. પ્રમોશન એકથી વધુ રાજ્યોમાં થાય છે. ઘણી વખત કાસ્ટિંગ પણ એવી રીતે થાય છે કે અલગ અલગ ભાષાના લોકપ્રિય ચહેરાઓ એક ફિલ્મમાં સાથે જોડાય.
‘2.0’માં રજનીકાંત સાથે અક્ષય કુમાર, ‘આરઆરઆર’માં રામચરણ અને જુનિયર એનટીઆર સાથે અજય દેવગણ અને આલિયા ભટ્ટ, ‘આદિપુરુષ’માં પ્રભાસ સાથે સૈફ અલી ખાન અને ક્રિતી સેનન, ‘કલ્કિ 2898 એડી’માં પ્રભાસ સાથે અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દીપિકા પાદુકોણ, આ બધું માત્ર કાસ્ટિંગ નથી, પણ અલગ અલગ દર્શકવર્ગને જોડવાનો પ્રયાસ પણ છે. એ સિવાય વાર્તા પણ ઘણીવાર એવી પસંદ કરવામાં આવે છે જે ભાષા કરતાં ભાવનાઓ, હીરોવાદ, પૌરાણિકતા, એક્શન અથવા ભવ્યતાના આધારે સમગ્ર દેશમાં જોડાણ બનાવી શકે.
ટેક્નોલોજીએ પણ આ પરિવર્તનને વેગ આપ્યો છે. પહેલાં ડબ વર્ઝન ઘણીવાર સેક્ધડરી લાગતા હતા. આજે ડબિંગની ગુણવત્તા સુધરી છે. સબટાઇટલ્સ સ્વીકારવામાં આવે છે. ઓટીટી પ્લેટફોર્મ્સે દર્શકોને ભાષાની બહાર જવાની ટેવ પાડી છે. આજે ગુજરાતનો એક યુવાન એક જ અઠવાડિયામાં મલયાલમ થ્રિલર, તમિલ એક્શન ફિલ્મ, કોરિયન ડ્રામા અને સ્પેનિશ સિરીઝ જોઈ શકે છે. આવી દુનિયામાં ભાષાની દીવાલો પહેલાથી ઘણી નાની થઈ ગઈ છે.
આમ છતાં પૅન ઇન્ડિયા લેબલ હંમેશાં સફળતા અપાવે એવું નથી. ‘બાહુબલી’ અને ‘કેજીએફ’ જેવી સફળતાઓ છે તો ‘સાહો’, ‘રાધે શ્યામ’, ‘આદિપુરુષ’ જેવી એવી ફિલ્મ્સ પણ છે જેની પૅન ઇન્ડિયા મહત્ત્વાકાંક્ષા તેની સફળતા જેટલી મોટી બની શકી નહોતી. બીજી તરફ ‘કાંતારા’ જેવી ફિલ્મે સાબિત કર્યું કે વાર્તા મજબૂત હોય તો પ્રમાણમાં નાની ફિલ્મ પણ દેશવ્યાપી ચર્ચાનો વિષય બની શકે છે. દર્શક ટિકિટ એટલા માટે નથી ખરીદતા કે પોસ્ટર પર ‘પૅન ઇન્ડિયા’ લખ્યું છે. દર્શક ટિકિટ ત્યારે ખરીદે છે જ્યારે ફિલ્મમાં તેમને કંઈક જોવાનું હોય!
લાસ્ટ શોટ
બજેટ વધતાં ફિલ્મ્સ માટે વધુ દર્શકો જરૂરી બન્યાં છે એટલે ‘પાન ઇન્ડિયા’ હવે સર્જનાત્મક વિચાર સાથે બિઝનેસ સ્ટ્રેટેજી પણ છે.