થાણે: નવી મુંબઈના પામ બીચ નજીક પુરપાટ વેગે આવેલી ટૅક્સી રિક્ષા સાથે ટકરાતાં બૅન્કની મહિલા કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે પાંચ જણ ઘવાયા હતા. પોલીસે ટૅક્સી ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની બપોરે નેરુળ વિસ્તારમાં પામ બીચ રોડ પર બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ નેહા રાજીવકુમાર ગુપ્તા (36) તરીકે થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સામેની દિશામાંથી આવેલી ટૅક્સી રિક્ષા સાથે ટકરાઈ હતી. રિક્ષામાં બેસેલી પ્રવાસી નેહા એક રાષ્ટ્રીયકૃત બૅન્કની કર્મચારી હતી. નવી મુંબઈના સીવૂડ્સ ખાતેના એનઆરઆઈ કૉમ્પ્લેક્સમાં રહેતી નેહા બન્ને વાહનની ટક્કરમાં ગંભીર રીતે ઘવાઈ હતી. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ટૅક્સીમાં હાજર પાંચ જણ અકસ્માતમાં જખમી થતાં તેમને પણ હૉસ્પિટલે લઈ જવાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે નેરુળ પોલીસે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રહેતા ટૅક્સી ડ્રાઈવર મોબીન આસિફ શેખ (35)ની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 125(બી) અને 281 અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)