Mon Oct 05 2026

Logo

સક્કરબાગ ઝૂમાં બે વર્ષમાં ૧૯ લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા, રૂ. ૬.૧૨ કરોડની થઈ માતબર આવક

2026-09-11 14:19:00
Author: Mayur Patel
સક્કરબાગ ઝૂમાં બે વર્ષમાં ૧૯ લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા, રૂ. ૬.૧૨ કરોડની થઈ માતબર આવક

ગાંધીનગર: જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ  પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં વન મંત્રીએ સક્કરબાગ ઝૂમાં આવેલા મુલાકાતીઓ અને તેનાથી થયેલ આવકની વિગતો જાહેર કરી હતી

સરકાર દ્વારા રજૂ કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ૩૧ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા બે નાણાકીય વર્ષોમાં કુલ ૧૯,૧૫,૧૭૨ મુલાકાતીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી છે, જેના થકી વન વિભાગને રૂ. ૬,૧૨,૦૩,૫૫૫ની માતબર આવક થઈ હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫માં આ વર્ષ દરમિયાન કુલ ૮,૯૦,૫૦૫ પ્રવાસીઓએ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેનાથી તંત્રને રૂ. ૩,૦૦,૨૦,૭૨૫/- ની આવક પ્રાપ્ત થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો અને આંકડો ૧૦ લાખને પાર પહોંચ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૧૦,૨૪,૬૬૭ પ્રવાસીઓ નોંધાયા હતા અને તેના દ્વારા  રૂ. ૩,૧૧,૮૨,૮૩૦ આવક થઈ હતી.

ગત વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬માં મુલાકાતીઓની સંખ્યામાં ૧.૩૪ લાખથી વધુનો વધારો જોવા મળ્યો હતો. ગીરના સિંહો, વિવિધ વન્યજીવો તથા સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની સુવિધાઓ અને વન્યજીવોના સંવર્ધનને પગલે પ્રવાસીઓના ધસારા સાથે સરકારી તિજોરીમાં પણ નોંધપાત્ર આવકનો ઉમેરો થયો છે.