Tue Oct 06 2026

Logo

આંખના પલકારામાં આખો પહાડ ધસી પડ્યો! નેપાળના વાયરલ વીડિયોએ જૂના ઘા તાજા કર્યાં, મોટી જાનહાનિના અહેવાલ

Kathmandu   2026-09-28 20:32:00
Author: Devayat Khatana
આંખના પલકારામાં આખો પહાડ ધસી પડ્યો! નેપાળના વાયરલ વીડિયોએ જૂના ઘા તાજા કર્યાં, મોટી જાનહાનિના અહેવાલ

કાઠમંડુ: ખીલતી પ્રકૃતિના પ્રવાસન માટે જાણીતા નેપાળમાં હાલ કુદરતે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ઘોડાપૂર અને ભીષણ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. આ તારાજી વચ્ચે રવિવારે એક અત્યંત ડરામણો વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક મસમોટા પહાડનો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો.

આંખના પલકારામાં ધસતા પહાડનો વીડિયો વાયરલ થયો હતો, જેને નેપાળ પૂરના જૂના ઘા તાજા કર્યાં હતા. અચાનક ધસી પડતો પહાડ સીધો વહેતી કાલી ગંડકી નદીમાં ખાબકતો જોવા મળ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં તોતિંગ ખડકો અને માટીનો જંગી કાટમાળ ધસી પડ્યો હતો અને જોતજોતામાં નદીનો માર્ગ કાટમાળથી ભરાયો હતો. ભયાનક ભૂસ્ખલન વખતે આસપાસ હાજર લોકોની ડરથી ભરેલી ચીસો સ્પષ્ટ સાંભળી શકાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં પહેલા પહાડનો ઢોળાવ એકદમ સ્થિર દેખાય છે, પરંતુ અચાનક જમીન ફાટે છે અને માટી-પથ્થરોનું પૂર ખૂબ જ ઝડપથી નદીમાં પડે છે. સતત ત્રણ દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદે નેપાળના જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે ઘરો, રસ્તાઓ, પુલ તેમ જ અન્ય પ્રાથમિક સુવિધાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

આ વિનાશક કુદરતી આપત્તિએ નેપાળના અનેક જિલ્લાઓમાં ભારે તારાજી મચાવી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકોના કરુણ મોત નીપજ્યા છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં મનાંગ, મ્યાગ્દી, બાગલુંગ, પર્વત અને પાલ્પા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દક્ષિણ તરાઈના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાવવા અને જમીન ધોવાણની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.

મૃતકોના આંકડા જોઈએ તો બાગલુંગમાં 10, મ્યાગ્દીમાં 6, પાલ્પામાં 5, મનાંગમાં 2 અને ધનુષા જિલ્લાની મિથિલા નગરપાલિકામાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે. તંત્ર માટે ચિંતાનો વિષય એ છે કે હજુ પણ 14 લોકો લાપતા છે. લાપતા થયેલાઓમાં મનાંગના 10, મ્યાગ્દીના 3 અને બાગલુંગના એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. આ કુદરતી કહેરમાં લમજુંગમાં બે લોકો અને બાગલુંગ-મ્યાગ્દીમાં એક-એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. 

આ પહાડ ધસી પડવાના વીડિયોએ લોકોને પૂર પ્રકોપને યાદ આવી ગયો હતો, જેમાં હજારો લોકોનાં મોત થયા હતા. હજુ પણ છ હજારથી વધુ લોકો ગુમ છે. નેપાળ પૂરમાં દેશને અબજો રુપિયાની માલમિલકતનું પણ નુકસાન થયું હતું. વધતી કુદરતી આફતો થપાટને કારણે નેપાળને બેઠો થતા વર્ષો લાગી શકે એવું પણ જણાવ્યું હતું.