Mon Oct 05 2026

Logo

નેપાળમાં મુંબઈના જાણીતા પર્વતારોહક ગુમ, મહારાષ્ટ્રના 80 પ્રવાસીઓ ફસાયા

2026-08-27 17:11:45
Author: Mumbai Samachar Team
નેપાળમાં મુંબઈના જાણીતા પર્વતારોહક ગુમ, મહારાષ્ટ્રના 80 પ્રવાસીઓ ફસાયા

સંચાર વ્યવસ્થા ખોરવાતાં સંપર્ક મુશ્કેલ; મહારાષ્ટ્ર સરકારે મદદ માટે 24x7 હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ શરૂ કર્યો

કાઠમંડુ/મુંબઈ: નેપાળમાં આવેલા વિનાશક જળપ્રલયને કારણે ભયાનક વિનાશ સર્જાયો છે. આ કુદરતી આફત વચ્ચે મુંબઈના જાણીતા પર્વતારોહક અને તબીબ ડૉ. મિલિંદ પી. ચિતલય ગુમ થયાના અહેવાલ આવ્યા બાદ મુંબઈના ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે. ચિતલયના પરિવારજનો, સહયોગીઓ અને ટ્રેકિંગ સમુદાયના સભ્યોનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ડૉ. મિલિંદ ચિતલય લાંબા સમયથી પર્વતારોહણ તથા ટ્રેકિંગ સાથે સંકળાયેલા છે. સહ-ટ્રેકર્સના જણાવ્યા અનુસાર તેઓ 18-19થી વધુ વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે અને મુંબઈ તથા પુણેના ટ્રેકિંગ જૂથો સાથે અનેક અભિયાનોનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. નેપાળના પર્વતીય વિસ્તારોનો તેમને લાંબો અનુભવ હોવાથી તેમની ગેરહાજરીને લઈને સાથી પર્વતારોહકોમાં ખાસ ચિંતા જોવા મળી રહી છે.

પૂરથી પ્રભાવિત નેપાળના અનેક વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે. મુંબઈના ટ્રેકિંગ સમુદાયના એક સભ્યના જણાવ્યા મુજબ, હાલ પરિસ્થિતિ અંગે ચોક્કસ કંઈ કહેવું મુશ્કેલ છે, કારણ કે નેપાળની કમ્યુનિકેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી નથી. જોકે, ટ્રેકિંગ ગ્રુપના કેટલાક સભ્યો અન્ય પ્રવાસી જૂથો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે અને તેમના સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ડૉ. ચિતલયના ગુમ થવાના અહેવાલ વચ્ચે મહારાષ્ટ્રના આશરે 80 પ્રવાસીઓ નેપાળમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. મહારાષ્ટ્રના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં માત્ર ચારથી પાંચ ફસાયેલા પ્રવાસીઓ સાથે જ સંપર્ક સાધવામાં સફળ રહી છે. 

મળતી માહિતી અનુસાર 80 પ્રવાસીમાંથી 57 પ્રવાસીઓ રિચા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મારફતે નેપાળ ગયા હતા. મહારાષ્ટ્ર સરકાર ફસાયેલા નાગરિકોને શોધવા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર સાથે સમન્વય સાધીને લોકોને બચાવવાના પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત મહારાષ્ટ્રવાસીઓની મદદ માટે મંત્રાલયમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. 

નાગરિકો ટોલ-ફ્રી હેલ્પલાઈન 1070 પર અથવા +91-9321587143 નંબર પર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. ફસાયેલા મહારાષ્ટ્રવાસીઓને તેમની વિગતો સરકારના સહાયતા તંત્રમાં નોંધાવવા પણ અપીલ કરવામાં આવી છે, જેથી તેમને શોધવામાં અને મદદ પહોંચાડવામાં સરળતા રહે.

નેપાળમાં આવેલા વિનાશક જળપ્રલયને કારણે મોટા પાયે જાનમાલનું પણ નુકસાન થયું છે. 160થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે લગભગ 800 લોકો ગુમ હોવાનું જણાવાયું છે. આ ગુમ થયેલા લોકોમાં આશરે 300 ભારતીયો હોવાની માહિતી પણ સામે આવી છે.

પૂર અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓ, સંચાર વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓને અસર થતાં રાહત અને બચાવ કામગીરીમાં પણ પડકારો ઊભા થયા છે. 

નેપાળમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને મદદરૂપ થવા માટે ભારતે પણ માનવતાવાદી સહાય વધારી છે. ભારત તરફથી 37.5 ટન હ્યુમાનેટેરિયન  આસિસ્ટન્સ અને ડિઝાસ્ટર રિલીફ સામગ્રી, દવાઓ અને ફૂડ પેકેટ્સ લઈને બીજી ફ્લાઈટ નેપાળમાં મોકલવામાં આવી છે.

આ પહેલાં પણ ભારતે નેપાળને 10 ટન માનવતાવાદી સહાય મોકલી હતી. બંને દેશોની એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે આપસમાં સમન્વય સાધીને બચાવ કાર્ય કરી રહી છે.  

હાલમાં ડૉ. મિલિંદ ચિતલય સહિત નેપાળમાં ફસાયેલા અને ગુમ થયેલા ભારતીયોની સુરક્ષાને લઈને પરિવારજનોની ચિંતા વધી રહી છે. નેપાળમાં સંચાર વ્યવસ્થા સામાન્ય બન્યા બાદ ગુમ થયેલા લોકો અંગે વધુ ચોક્કસ માહિતી મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.