પુણે: નૅશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) ખાતે ફરજ બજાવતા 46 વર્ષના જવાનનું ગોળી વાગવાથી ગંભીર જખમી થયાના પાંચ દિવસ બાદ સારવાર દરમિયાન મિલિટરી હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 11 સપ્ટેમ્બરે બની હતી. પુણેના ખડકવાસલા વિસ્તારમાં આવેલા એનડીએ કૅમ્પસમાંની ગાર્ડ રૂમમાં હાજર જવાન આર. કે. સિંહને એકાએક ગોળી વાગી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પાસેના ટાવર ખાતે તહેનાત જવાને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે તરત જ ટાવર પરથી નીચે ઊતરીને ગાર્ડ રૂમ તરફ દોડ્યો હતો. રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જવાન તરફ નજર જતાં તેણે ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. જખમી જવાન સિંહને વનોવરીલમાં આવેલી કમાન્ડ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેનું મૃત્યુ થયું હતું. ગોળી ગળામાં વાગીને ગરદનમાંથી બહાર નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પુણેની સસૂન હૉસ્પિટલમાં સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં શબ તેના પરિવારજનોને સોંપાયું હતું. આ મામલે પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ગોળીબાર થયો એના સંજોગોની તપાસ થઈ રહી છે. ગોળી અકસ્માતે છૂટી કે તેણે જાતે પોતાને મારી હતી તે અત્યારે કહેવું ઘણું વહેલું ગણાશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)