Mon Oct 05 2026

Logo

મુંદરાના 3000 kg હેરોઇન કૌભાંડમાં EDનો પર્દાફાશ, ડ્રગ્સ વેચાણના કરોડો રૂપિયા ટેરર ફંડિંગ માટે અફઘાનિસ્તાન મોકલાયા....

2026-09-27 12:35:42
Author: Vimal Prajapati
મુંદરાના 3000 kg હેરોઇન કૌભાંડમાં EDનો પર્દાફાશ, ડ્રગ્સ વેચાણના કરોડો રૂપિયા ટેરર ફંડિંગ માટે અફઘાનિસ્તાન મોકલાયા....

ભુજઃ સરહદી કચ્છના મુંદરા બંદરેથી વર્ષ 2021માં ઝડપાયેલા 3,000 કિલોગ્રામ હેરોઇનના ચકચારી આંતરરાષ્ટ્રીય દાણચોરી પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસમાં અત્યંત ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ દ્વારા ભારતમાં નશીલા દ્રવ્યો વેચીને ઊભા કરાયેલા નાણાં પૈકી રૂપિયા 74 કરોડ જેટલી રકમ હવાલા મારફતે અફઘાનિસ્તાન મોકલી આતંકવાદી ગતિવિધિઓ એટલે કે, ટેરર ફંડિંગ માટે ઉપયોગમાં લેવાઈ હોવાનું બહાર આવ્યું છે.

રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા આ કેસના મુખ્ય આરોપી હરપ્રીત સિંહ તલવાર સહિતના દાણચોરો વિરુદ્ધ દાખલ કરાયેલી 6 ચાર્જશીટના આધારે ઈડી દ્વારા 'પીએમએલએ' કાયદા હેઠળ તપાસ હાથ ધરાઈ રહી છે. ગત જુલાઈ માસમાં દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ ઈડીએ ગત 17 સપ્ટેમ્બરના રોજ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ભજવનાર ગૌરવ ડાવરની ધરપકડ કરી હતી. આરોપીને દિલ્હીની તીસ હજારી અદાલત સમક્ષ રજૂ કરાતાં કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો.

આ સિન્ડિકેટે ભારતમાં ડ્રગ્સનું વેચાણ કેટલી કમાણી કરી?

તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, સેમી-પ્રોસેસ્ડ ટેલ્કમ પાવડરની આડમાં આ મોટા પાયે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હતા. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર વિતાયશ કોસર ઉર્ફે ‘રાજુ દુબઈ’ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ‘આઈએસઆઈ’ના એજન્ટો અને અફઘાન નાગરિકો સાથે મળીને સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. આ સિન્ડિકેટે ભારતમાં ડ્રગ્સનું વેચાણ કરીને કુલ રૂપિયા 89 કરોડની ગુનાહિત કમાણી કરી હતી. દાણચોરીમાં સાથ આપવા બદલ આરોપી ગૌરવ ડાવરને પ્રતિબંધિત ‘ગુદાંગ ગરમ’ સિગારેટ, મોંઘા પરફ્યુમ, ડ્રાયફ્રૂટ્સ તેમજ દુબઈ ખાતે સીધા દિરહામ સ્વરૂપે કમિશન અપાતું હતું.

વધુમાં, ડ્રગ્સના કાળા નાણાંને ધોળા કરવા માટે સિન્ડિકેટ દ્વારા આ સમગ્ર ષડયંત્ર ઘડાયું હતું. આરોપી ગૌરવ અને તેના સાગરીતોએ ‘ન્યૂએરા ફિસ્ટ એન્ડ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ’ કંપની મારફતે રાજધાની દિલ્હીની જાણીતી ‘પ્લેબોય ક્લબ’ અને ‘વ્હાઇટ ક્લબ’માં રોકડ રોકાણ કર્યું હતું. દેશની આર્થિક સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરનારા હવાલા, ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગના આ આંતરરાષ્ટ્રીય જાળાને તોડવા તપાસ એજન્સીઓએ સઘન કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)