મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના છઠ્ઠા સેમિસ્ટરના ત્રણ વિષયોના પ્રશ્નપત્ર લીક થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પેપર લીક થયાની ઘટના સામે આવ્યાને એક અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી આ અંગે કોઈ નક્કર ગુનો નોંધવામાં આવ્યો નથી. બાંદ્રાની આર. ડી. નેશનલ કોલેજમાં ૧૫ એપ્રિલે બનેલી આ ઘટના બાદ, કેટલાક વિદ્યાર્થીઓ સામે ઉપરછલ્લી કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, જવાબદાર તંત્ર વિરુદ્ધ કોઈ નક્કર પગલાં ન લેવાતા હવે વિદ્યાર્થી સંગઠનો આક્રમક બન્યા હતા. બીજી તરફ, યુનિવર્સિટીએ ગોપનીયતાનું કારણ આગળ ધરીને આ બાબતે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
હાલમાં મુંબઈ યુનિવર્સિટીની અલગ-અલગ કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે. તે પૈકી, બાંદ્રાની આર. ડી. નેશનલ કોલેજમાં ૧૫ એપ્રિલના રોજ બી.કોમ.ના છઠ્ઠા સેમેસ્ટરના ત્રણ પ્રશ્નપત્રો વાસ્તવિક પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓના હાથમાં આવી ગયા હતા. આ મામલે યુનિવર્સિટીએ તાત્કાલિક સમિતિની નિમણૂક કરીને તપાસ શરૂ કરી છે.
આ સમિતિએ તપાસ કરીને કોલેજના છ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી. પરંતુ, કોલેજના પ્રિન્સિપાલ અને યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની તપાસ થઈ છે કે નહીં, તે અંગે શંકા હોવાનો આરોપ એબીવીપીના મુંબઈ મહાનગર મંત્રી પ્રશાંત માળીએ કર્યો હતો.
આ ઘટનાને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં, યુનિવર્સિટીએ હજુ સુધી આ સમિતિનો અહેવાલ જાહેર કર્યો નથી. તેમજ આ મામલે હજુ સુધી કોઈ ગુનો પણ નોંધવામાં આવ્યો નથી. પરીક્ષા નિયામક, સંબંધિત પ્રિન્સિપાલ અને કોલેજ પ્રશાસન - આ તમામની સંડોવણી વિના આવી ઘટના બની શકે નહીં. તેથી, આ પ્રકરણમાં સામેલ વિદ્યાર્થીઓની સાથે આ તમામ જવાબદારો વિરુદ્ધ પણ ગુનો નોંધવો જોઈએ, એવી કડક ભૂમિકા પ્રશાંત માળીએ રજૂ કરી હતી.