મુંબઈ: તહેવારોની સિઝન દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એટલે કે એફડીએએ કડક કાર્યવાહી હાથ ધરી છે. 23થી 27 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈની 13 અને પુણે વિભાગની 8 ખાદ્ય સંસ્થાના લાઈસન્સ અથવા નોંધણી પ્રમાણપત્રો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ અનેક સંસ્થાઓ સામે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
મુંબઈમાં કાલબાદેવી સ્થિત ક્યાની એન્ડ કંપનીની તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો તૈયાર અને સંગ્રહ કરવાની જગ્યાએ બિલાડીઓ, ઉંદરના મળ, જીવતી માખીઓ અને મૃત વંદા જોવા મળ્યા હતા. રેફ્રિજરેટરમાં એકઠું થયેલું લોહી અને ખાદ્ય પ્રક્રિયા વિભાગમાં ખુલ્લું ગટરનું મેનહોલ પણ મળી આવ્યું હતું.
કોલાબા સ્વીટ માર્ટમાં જીવતા વંદા, ગરોળી, માખીઓ અને લાર્વા મળી આવ્યા હતા. અહીં જરૂરી જીવાત નિયંત્રણ વ્યવસ્થા, કર્મચારીઓના તબીબી ફિટનેસ રેકોર્ડ અને વ્યક્તિગત સુરક્ષા સાધનોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું. ધારાવીના અરુણ વિલાસ ફરસાણ અને પરેલના રૂચી વેજ રેસ્ટોરન્ટ સામે પણ સ્વચ્છતા અને આરોગ્યલક્ષી નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
વિલે પાર્લેના ડેફોડિલ્સ ફાસ્ટ ફૂડ ઈનનું લાઈસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તપાસમાં ગંદા રેફ્રિજરેશન સાધનો, તાપમાન દર્શાવતી વ્યવસ્થા કાર્યરત ન હોવી અને કર્મચારીઓના સામાનની સાથે ખાદ્યપદાર્થો રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. લોઅર પરેલમાં સબવેનું સંચાલન કરતી એવર-સબ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આઉટલેટમાં ખરાબ રેફ્રિજરેટર, ફૂગ જેવી પડ, દુર્ગંધ અને જીવતા વંદા મળી આવ્યા હતા. આ ઉપરાંત ક્યૂઆરએસ બ્રાન્ડ્સ ઈન્ડિયા, રોયલ ચાઈના, ટિફિન, યુનાઈટેડ બેકરી એન્ડ સ્ટોર્સ, શ્રી પદ્માવતી એન્ટરપ્રાઈઝિસ અને હોટેલ પુરંદર વિલાસ સામે પણ ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પુણે વિભાગમાં પણ ખાદ્યપદાર્થોના સંગ્રહ અને સ્વચ્છતા અંગે કાર્યવાહી કરવામાં આવી છે. સાંગલી જિલ્લાના તાનંગ ખાતે નેશનલ કોમોડિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસના ગોડાઉનનું લાઈસન્સ અસુરક્ષિત ફ્યુમિગેશન અને અયોગ્ય સંગ્રહને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હોટેલ અશોક સાઈ નિકેતન, શિવરાય ફૂડ્સ, સમર્થ હોસ્પિટાલિટી સર્વિસિસ, અજિંક્ય રેસ્ટોરન્ટ, હોટેલ લોકશાહી, હોટેલ સુરભી અને નુક્કડ રેસ્ટોરન્ટ સામે પણ લાઈસન્સની શરતો તથા સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
પુણે, કોલ્હાપુર અને સોલાપુરમાં કુલ 6,366.88 કિલો ખાદ્યપદાર્થો, જેની કિંમત આશરે રૂ. 28.54 લાખ છે, જપ્ત કરવામાં આવ્યા હતા. તેમાં માવો, પનીર, ઘી, મલાઈ, મીઠાઈ, શ્રીખંડ, લસ્સી, નાળિયેરનું તેલ, ફરસાણ, બટાકાની વેફર્સ અને ફરસાણ, સોસ, મસાલા જેવા ખાદ્યપદાર્થનો સમાવેશ થાય છે.
ખાદ્ય અને ઔષધ પ્રશાસનના કમિશનર તુકારામ મુંઢેએ આ સમગ્ર કાર્યવહી બાદ જણાવ્યું હતું કે અસ્વચ્છ રીતે તૈયાર કરાયેલા, મુદત પૂર્ણ થયેલા અથવા છેડછાડ કરાયેલા ખાદ્યપદાર્થોનું વેચાણ કે સંગ્રહ કરનારા એકમો સામે કડક કાનૂની કાર્યવાહી આ જ પ્રકારે યથાવત રહેશે.