મુંબઈ: પશ્ચિમ ઉપનગરમાં જાહેર શૌચાલયમાં ઝેરી રસાયણની ગંધને કારણે શ્વાસ રૂંધાઇ જવાથી બે યુવકનાં મૃત્યુ થયાં હોવાની આઘાતજનક ઘટના બની હતી. વનરાઇ પોલીસ સ્ટેશનમાં આ મામલે એડીઆર દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઇ હતી, જેમાં છ મહિનામાં આ પ્રકારનો બીજો બનાવ બન્યો છે.
મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર રામ મંદિર પૂર્વ વિસ્તારમાં પારસી પંચાયત ગેટની સામે મૃણાલતાઇ ફ્લાયઓવર નજીક જાહેર શૌચાલયમાં આજે મળસકે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બંને યુવકની ઓળખ ભાવિન દેસાઇ (18) અને પ્રભાકર ધાનિવર (24) તરીકે થઇ હતી.
રામ મંદિર રેલવે સ્ટેશન પૂર્વના શિવશંકર નગરમાં સ્થાનિક ગણેશ મંડળ છે અને તેના છ સભ્ય તથા ભાવિન અને પ્રભાકર આજે મળસકે મંડપ ખોલવાનું કામ કરી રહ્યા હતા. ભાવિન અને પ્રભાકર ત્યાર બાદ જાહેર શૌચાલયમાં ગયા હતા. પંદર મિનિટ વીતી ગયા છતાં તેઓ પાછા નહીં ફરતાં અન્ય સભ્યો તેમને જોવા માટે ગયા ત્યારે તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
બંને જણને સારવાર માટે ટ્રોમા કેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા અને તેના અહેવાલ બાદ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ, અગ્નિશમન દળ, 108 એમ્બ્યુલન્સ સેવા, મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને પાલિકાના વોર્ડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના પગલાં તરીકે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો અને શૌચાલયને સીલ કરી દેવાયું હતું.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે શૌચાલયમાંથી રસાયણની તીવ્ર ગંધને કારણે ગૂંગળામણથી બંનેનાં મોત થયાં હતાં. રસાયણ ગળતરનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. આ ઘટના પાછળ કોઇની બેદરકારી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. શૌચાલયની નજીકના ચેમ્બરમાંથી નીકળનારા ઝેરી ધુમાડાને કારણે આ ઘટના બની હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
નોંધનીય છે કે મુંબઇમાં છેલ્લાં અમુક વર્ષમાં ગૂંગળામણને કારણે મૃત્યુ થયાની ઘણી ઘટના અગાઉ બની હતી. માર્ચ, 2026માં દક્ષિણ મુંબઈમાં ઇમારતની પાણીની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે ચાર મજૂરનાં મોત થયાં હતાં.
માર્ચ, 2022માં કાંદિવલી વિસ્તારમાં સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઊતરેલા ત્રણ જણ મૃત્યુ પામ્યા હતા. ડિસેમ્બર, 2019માં ગોવંડી વિસ્તારમાં સેપ્ટિક ટેન્કર સાફ કરતી વખતે ફસાયેલા ત્રણ મજૂરના ગૂંગળામણથી મૃત્યુ થયાં હતાં.
જાન્યુઆરી, 2019માં મીરા રોડમાં સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના ચેમ્બરમાં સફાઇ માટે ઊતરેલા ત્રણ મજૂર ઝેરી ગેસને કારણે ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. પનવેલમાં થોડા દિવસ પહેલા આવી જ ઘટનામાં મૅનહોલમાં ત્રણ જણનાં મોત થયાં હતાં.
ચોંકાવનારી વાત એ છે કે છ મહિનામાં બીજો જીવલેણ બનાવ બન્યો છે જેને લઈ આમ જનતાની જાહેર પ્રસાધનોના ઉપયોગ મુદ્દે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આમ જનતાની સુરક્ષા મુદ્દે સવાલ ઊભા થયા છે.