દક્ષિણ મુંબઈમાં રહેતા બન્ને આરોપી પાસેથી 30.17 કરોડનું કેટામાઈન જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ખાદ્ય પદાર્થમાં સંતાડીને વિવિધ પ્રકારનાં ડ્રગ્સ વિદેશમાં મોકલતી ટોળકીના બે સભ્યની ધરપકડ કરી પોલીસે અંદાજે 37.17 કરોડ રૂપિયાનું કેટામાઈન જપ્ત કર્યું હતું. એમઆઈડીસી પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ અદનાન અહમદ નિયાઝ અહમદ સિદ્દીકી (35) અને સૌદ મુશ્તાક મણિયાર (29) તરીકે થઈ હતી. આરોપી અદનાન દક્ષિણ મુંબઈના મઝગાંવના ઘોડપદેવ સ્થિત મોદી કમ્પાઉન્ડમાં, જ્યારે સૌદ ગિરગામમાં મોતી ટૉકીઝ નજીક ઈસ્લામ સ્ટ્રીટમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ એમઆઈડીસી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ઉલ્હાસ ખોલમ ટીમ સાથે ગુરુવારની રાતે પેટ્રોલિંગ પર હતા ત્યારે અંધેરી-કુર્લા રોડ પર ઍરપોર્ટ મેટ્રો સ્ટેશન નજીક બન્ને શકમંદ પર તેમની નજર પડી હતી. બન્ને આરોપી ટ્રાવેલ બૅગ સાથે શંકાસ્પદ હિલચાલ કરતા જણાયા હતા.
એપીઆઈ ખોલમ પોલીસ વાહન ઊભું રખાવી આરોપી તરફ ગયા ત્યારે બન્નેએ ઉતાવળે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. બન્નેને રોકી બૅગમાંના સામાન અને શા માટે ત્યાં ઊભા હતા તે અંગે પૂછતાં તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા. શંકાને આધારે બન્નેને તાબામાં લઈ તપાસ કરતાં બૅગમાંથી સફેદ કલરનો ક્રિસ્ટલ પાઉડર મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં એ પાઉડર કેટામાઈન ડ્રગ હોવાનું જણાયું હતું. અંદાજે 37.17 કરોડ રૂપિયાનું 12 કિલોથી વધુ કેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતું. દક્ષિણ મુંબઈમાં રહેતા બન્ને આરોપી ડ્રગ્સ વેચવાને ઇરાદે અંધેરી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. બન્ને વિરુદ્ધ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બન્ને આરોપી વિદેશમાં ડ્રગ્સ સપ્લાય કરનારી ટોળકી સાથે સંકળાયેલા હતા. ખાદ્ય પદાર્થમાં સંતાડીને વિવિધ પ્રકારનું ડ્રગ્સ હવાઈ માર્ગે થાઈલૅન્ડ, મ્યાનમાર, મલયેશિયા સહિતના અન્ય દેશોમાં આ ટોળકી મોકલતી હતી. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે.