(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં. જોકે, હાલમાં વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના ભાવમાં વધારો થવાને કારણે એકંદરે બજારોમાં લોકમાનસ ખરડાયેલું રહ્યું હોવાથી આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીન, નિકલ, એલ્યુમિનિમય ઈન્ગોટ્સ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત નિરસ માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 44નો ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, આજે માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નીચા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો અને કોપર સ્ક્રેપ હેવીમાં વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ટીન અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 44 ઘટીને રૂ. 5300 અને રૂ. 25 ઘટીને રૂ. 1250ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને મર્યાદિત માગે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. 354 અને રૂ. 1620 તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એકના સાધારણ ઘટાડા સાથે રૂ. 1445ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલી ઉપરાંત છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 950 અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે રૂ. 1364ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.