Tue Oct 06 2026

Logo

હાય રે મોંઘવારીઃ કાંદા પછી હવે આવ્યો લીંબુનો વારો, લીંબુના ભાવ પહોંચ્યા આસમાને

2026-09-29 19:53:24
Author: Mumbai Samachar Team
હાય રે મોંઘવારીઃ કાંદા પછી હવે આવ્યો લીંબુનો વારો, લીંબુના ભાવ પહોંચ્યા આસમાને

નવી મુંબઈઃ જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં વધારાની સાથે શાકભાજીના ભાવમાં દર મહિને એકાદ તો ગાયબ થઈ જાય છે. કાંદા અને ટમેટાના ભાવ અગાઉ વધ્યા પછી હવે માર્કેટમાંથી લીબું પણ ગાયબ થઈ રહ્યા છે, પરિણામે લીબુંના ભાવ આસમાને પહોંચતા આમ જનતા પરેશાન થઈ છે.

ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે પાણીના ભાવે મળતા લીંબુના ભાવ અચાનક આસમાને પહોંચી ગયા છે. રોજિંદા રસોઈથી લઈને હોટેલ અને જ્યૂસ સેન્ટર સુધી મોટા પ્રમાણમાં વપરાતા લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. થોડા દિવસ પહેલાં જ્યાં ₹ 10માં ત્રણથી ચાર લીંબુ મળતા હતા, ત્યાં હવે છૂટક બજારમાં એક લીંબુના ₹ 10 ચૂકવવા પડી રહ્યા છે. વાશીના મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં હવે લીંબુની આવક ઘટતાં તેની સીધી અસર હવે ભાવ પર પડી છે.

વાશી એપીએમસીમાં હાલ દરરોજ લીંબુની માત્ર બે-ત્રણ ગાડીઓ જ આવી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ ગાડીઓમાંથી આશરે 150 ક્વિન્ટલ લીંબુની આવક થાય છે. સામાન્યની સરખામણીએ આવકમાં ઘટાડો થતાં બજારમાં પુરવઠો ઓછો થયો છે અને તેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. 

એપીએમસીમાં લીંબુનો પુરવઠો મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી થાય છે. જોકે, હાલ આ મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાંથી આવતો પુરવઠો પ્રભાવિત થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ઉત્પાદન અને પુરવઠામાં ઘટાડાને કારણે મુંબઈના બજારમાં લીંબુની આવક ઓછી થઈ છે.

આવક ઘટવાની સાથે જ જથ્થાબંધ ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધઘટ જોવા મળી રહી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં મુંબઈ એપીએમસીમાં લીંબુનો સરેરાશ જથ્થાબંધ ભાવ આશરે ₹5,000 પ્રતિ ક્વિન્ટલ હતો. 18 સપ્ટેમ્બરે તે વધીને ₹7,000 થયો હતો, જ્યારે 23 સપ્ટેમ્બરે ₹6,000 અને 24 સપ્ટેમ્બરે ફરી ₹5,000 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. જોકે, મહિનાની શરૂઆતની સરખામણીએ ભાવ હજુ ઊંચા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, ઓછા વરસાદની અસર લીંબુના ઉત્પાદન પર પડી છે. બીજી તરફ બજારમાં માંગ યથાવત રહેતાં ઓછી આવક અને સતત માંગનું ગણિત ભાવ વધારવાનું કારણ બન્યું છે. જથ્થાબંધ બજારમાં ભાવ વધતાં તેની અસર છૂટક બજારમાં પણ પહોંચી છે. સાથે પરિવહન, હેન્ડલિંગ અને વેચાણના ખર્ચમાં વધારો થવાથી ગ્રાહકોને વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે.

આમ, ઉનાળાની સિઝન બાદ સામાન્ય રીતે લીંબુના ભાવમાં રાહત મળવાની અપેક્ષા રહેતી હોય છે, પરંતુ હાલ ઓછી આવક અને ઉત્પાદન પર પડેલી અસરને કારણે સપ્ટેમ્બરના અંતમાં પણ ભાવ ઊંચા રહ્યા છે. પરિણામે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય ગ્રાહકોના રોજિંદા બજેટ પર પણ લીંબુના વધેલા ભાવની અસર જોવા મળી રહી છે.