Thu Apr 23 2026

Logo

એકસ્ટ્રા અફેર : મુંબઈમાં મર્દાનીનો આક્રોશ, કોઈએ  સાથ કેમ ના આપ્યો?

2026-04-23 08:43:00
Author: Bharat Bharadwaj
Article Image

- ભરત ભારદ્વાજ

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે કે જેમાં મુંબઈના વરલીમાં એક યુવતી ભાજપ મહિલા મોરચાની રેલીના કારણે થયેલા ટ્રાફિક જામ સામે આક્રોશ વ્યક્ત કરતી દેખાય છે. વીડિયોમાં અકળાયેલી યુવતી મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ અધિકારીઓને રીતસર તતડાવી નાંખે છે.  મંત્રી મહાજન તથા પોલીસો પાસે કોઈ જવાબ જ નથી તેથી એ લોકો પહેલાં તો તેને ટાળવા પ્રયત્ન કરે છે અને પોલીસ તો ઊંચા અવાજે બોલીને તેને ચૂપ કરવા પણ મથે છે પણ યુવતી આક્રમક મિજાજ છોડતી નથી તેથી મંત્રી મહાજન અને પોલીસ અધિકારીઓ ગળચિયાં ગળતા પણ દેખાય છે.  યુવતી ગુસ્સામાં ગાળાગાળી પણ કરે છે અને મંત્રી તથા અધિકારીઓને ગેટ આઉટ ફ્રોમ હીયર કહીને ઝાટકી પણ નાંખે છે એ સ્પષ્ટ દેખાય છે. 

લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલું લોકસભાની બેઠકો વધારવાનું બિલ પસાર ના થયું તેના પગલે મોદીએ કૉંગ્રેસ સહિતના વિપક્ષો પર મહિલા વિરોધી હોવાનું આળ મૂક્યું છે. મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ દાવો કરીને કૉંગ્રેસ સામે રાષ્ટ્રવ્યાપી દેખાવો કરવાની હાકલ કરેલી. તેના પગલે ભાજપ મચી પડ્યો છે અને દેખાવો કરી રહ્યો છે. મુંબઈમાં પણ  ‘જન આક્રોશ મહિલા પદયાત્રા’ કાઢીને ભાજપની મહિલા કાર્યકરો  મહિલા અનામત બિલ પસાર નહીં થવા દેવા બદલ કૉંગ્રેસ સામે નારેબાજી કરી રહી હતી.  તેના કારણે  ટ્રાફિક જામ થઈ જતાં લોકો અકળાયેલા હતા. 

જો કે કોઈનામાં ભાજપના નેતાઓ કે પોલીસ સામે બોલવાની હિંમત નહોતી તેથી બધા ચૂપચાપ તમાશો જોયા કરતા હતા પણ આ યુવતીએ હિંમત બતાવી તેમાં બબાલ થઈ ગઈ. ભાજપની મહિલા કાર્યકરો ‘ફૂલ નહીં ચિંગારી હૈ, હમ ભારત કી નારી હૈ’ ના નારા લગાવી રહી હતી. આ ચિનગારી ક્યારે ભડકશે એ ખબર નથી પણ યુવતીની છટકી ગઈ ને એ ચિંગારી બની ગઈ તેમાં મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ બંનેની આબરૂનો ફજેતો થઈ ગયો. યુવતીને સાથ આપવા એ વખતે તો કોઈ સામે નોતું આવ્યું પણ વીડિયો જોયા પછી સોશ્યલ મીડિયા શૂરવીરો તૂટી પડ્યા છે. ભાજપની રાજકીય ફાયદા માટેની રેલીના કારણે લોકો પરેશાન થઈ ગયા તેની સામે સોશ્યલ મીડિયા પર આક્રોશ ઠલવાઈ રહ્યો છે. 

આ આક્રોશના કારણે હશે કે પછી ઉપરથી ફરમાન આવ્યું તેના કારણે હશે એ રામ જાણે પણ મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને આ મુદ્દે બુધવારે પત્રકાર પરિષદ કરવી પડી. અલબત્ત પત્રકાર પરિષદમાં પણ તેમણે ચોરી પર સિનાજોરી જ કરી છે અને ભાજપની રેલીના કારણે હજારો લોકોને તડકામાં શેકાવું પડ્યું તેનો વસવસો કરવાના બદલે યુવતીના વાંક ગણાવવા બેસી ગયા. 

મહાજનના કહેવા પ્રમાણે, દેખાવોના કારણે ટ્રાફિક જામ થયેલો એ સાચી વાત છે પણ તેણે જે ભાષા વાપરી હતી તે ખોટી હતી. આ મહિલાએ બહુ ઉગ્રતાથી વાત કરી હતી અને એલફેલ બોલી રહી હતી. આ બહેન મહિલા પોલીસ સાથે પણ ખૂબ જ ખરાબ ભાષામાં વાત કરી રહી હતી. હું તેમને સમજાવી રહ્યો હતો કે, અમે  10-15 મિનિટમાં નિકળી જઈશું પણ યુવતીએ મોરચામાં ભાગ લઈ રહેલી મહિલાઓ  પર પાણીની  બોટલ ફેંકી હતી.  ગિરીશ મહાજને એવો સધિયારો આપ્યો કે,  હવે પછી અમે ધ્યાન રાખીશું કે કોઈને આવી અસુવિધા ન થાય અને સાથે સાથે કૉંગ્રેસે મહિલા અનામત બિલ પસાર નહીં થવા દઈને દેશભરની મહિલાઓમાં આક્રોશ પેદા કર્યો છે તેની સામે મહિલાઓ દેખાવો કરી રહી છે એ બધી વાતો પણ કરી. 

સૌથી પહેલાં તો ભાજપે મહિલા અનામત બિલ પસાર ના થવા દીધું એવી વાતો કરીને લોકોને મૂરખ બનાવવાનું બંધ કરવું જોઈએ. મહિલા અનામત બિલ 106મા બંધારણીય સુધારા તરીકે સંસદમાં પસાર થઈ ગયું છે, તેના પર રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ છે અને 16 એપ્રિલે મોદી સરકારના કાયદા મંત્રાલયે જ તેનું નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ પણ શરૂ કરાવી દીધો છે. એ છતાં ભાજપના નેતા કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ મહિલા અનામત બિલ પસાર ના થવા દીધું એવું નરાતર જૂઠાણું ચલાવ્યા કરે છે એ શરમજનક કહેવાય. 

ભાજપના નેતાઓને જૂઠું બોલતાં  શરમ નથી આવતી તેથી તેની વાત કરવાનો મતલબ નથી ને આપણે યુવતીની વાત પર આવીએ. મહાજન દાવો કરે છે કે, યુવતીની ભાષા બરાબર નહોતી ને એલફેલ બોલતી હતી. ભલા માણસ, તમે ટ્રાફિકને બાનમાં લઈને કલાક લગી રોકી રાખો પછી તેનો ભોગ બનનાર આક્રોશ ના બતાવે તો તમારી પૂજા કરે?  ને સૌમ્ય ભાષામાં વાત કરે તો તમે સાંભળવાના છો ? આ યુવતી અકળાયેલી હતી, રેકોર્ડિંગ કરી રહી હતી,  ચોતરફ મીડિયા હતું છતાં પોલીસ તેને ઊંચા અવાજે બોલવા બદલ દબડાવીને ચૂપ કરાવી દેવા મથતી હતી તો શાંતિથી કહેતી હોય તો કોઈ તેની વાત સાંભળે ? ને સૌથી મોટો સવાલ એ છે કે, તમે આ રીતે લોકોને કનડગત કરીને તેની સેવા કરવાના છો? 

ભાજપના મહિલા મોરચાની રેલી તો નજરે ચડી ગઈ પણ આપણે ત્યાં આ રીતે લોકોને કનડવામાં કોઈ પાછળ નથી. ભારતમાં જાહેરમાં દેખાવો કે દેખાડા બહુ મોટું ન્યૂસન્સ છે ને સાવ બેશરમીથી આ ન્યૂસન્સ ચલાવાય છે. બધા રાજકીય પક્ષો આ રીતે છાસવારે રેલી ને રેલા કાઢીને ટ્રાફિક જામ કરે જ છે ને લોકોની હાલત બગાડે જ છે. માત્ર રાજકીય પક્ષો જ આ પાપ કરે છે એવું પણ નથી. ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રાઓ, વિજય સરઘસો, લગ્નના વરઘોડા  વગેરે જાત જાતના તાયફાઓ દ્વારા કલાકો લગી રસ્તા રોકી રાખવા, લોકોના ધંધા-ધાપા બંધ કરાવી દેવા એ બધું આ દેશમાં બેરોકટોક ચાલે છે. 

કમનસીબી એ છે કે, જે આ તાયફાઓનો ભોગ બનનારી  પ્રજા તેની સામે સાવ ચૂપ રહે છે. આપણી પ્રજા એ હદે માનસિક નપુંસક થઈ ગઈ છે કે, પોતાની પરેશાની સામે અવાજ ઉઠાવવાની હિંમત પણ ખોઈ બેઠી છે. પોતે જેમને ચૂંટીને મોકલે છે એવા પ્રજાના પ્રતિનિધિઓને સાચું કહેવાની પણ તેનામાં હિંમત નથી રહી ને તેના કારણે આવા તાયફા ચાલ્યા કરે છે. મુંબઈની મર્દાની યુવતીના સમર્થનમાં બોલવા એક વ્યક્તિ આગળ ના આવ્યો એ જ બતાવે છે કે, આ દેશની જનતા સાવ પાણી વિનાની થઈ ગઈ છે ને સત્યને સાથ આપવાની નિડરતા પણ બતાવી શકતી નથી.