Wed Oct 07 2026

Logo

રામનવમીની ઉજવણી માટે સાતારા આવેલા મુંબઈના પરિવારને અકસ્માત: ત્રણનાં મોત

2026-04-04 19:00:00
Author: Yogesh C. Patel
રામનવમીની ઉજવણી માટે સાતારા આવેલા મુંબઈના પરિવારને અકસ્માત: ત્રણનાં મોત

પુલ પરથી પસાર થતી વખતે કાર નહેરમાં પડી: બચી ગયેલો ડ્રાઈવર ગંભીર જખમી

સાતારા: રામનવમીની ઉજવણી માટે સાતારા આવેલા મુંબઈના પરિવારને જીવલેણ અકસ્માત નડ્યો હતો. પાછા ફરતી વખતે પુલ પરથી કાર નહેરમાં પડતાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કારનો ડ્રાઈવર બચી ગયા છતાં ગંભીર અવસ્થામાં હોવાનું પોલીસનું કહેવું છે.સાતારા પોલીસના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ હનુમંત જઠાર, પત્ની મંજુલા જઠાર અને દીકરી પ્રીતિ ટિળેકર તરીકે થઈ હતી. ઘટનાની નોંધ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મુંબઈમાં રહેતા હનુમંત પરિવાર સાથે રામનવમીની નિમિત્તે સાતારાના માણ તાલુકામાંના તેમના વતન મોગરાળે આવ્યા હતા. શનિવારના મળસકે દીકરાને સગાંસંબંધી પાસે રાખીને હનુમંત મુંબઈ આવવા નીકળ્યા હતા.કહેવાય છે કે મળસકે પાંચેક વાગ્યે ફોંડશિર તરફ કારમાં જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર જૂની પાલખી માર્ગ પરના પુલ પરથી નહેરમાં પડી હતી. મોટી નહેરમાં પાણી ભરેલું હોવાથી કારમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી, જેને પગલે પાણીમાં ડૂબી જવાથી ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.

અકસ્માત સમયે કાર સુનીલ ટિળેકર ચલાવી રહ્યો હતો. જખમી અવસ્થામાં ટિળેકર પાણીમાંથી બહાર નીકળવામાં સફળ થયો હતો. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું પોલીસનું કહેવું છે.