(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોને અનુસરીને પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) ગણપતિ મૂર્તિઓના વિસર્જન પછી પુન:પ્રાપ્તિ, સલામત રીતે તેનો સંગ્રહ, વૈજ્ઞાનિક પ્રક્રિયા અને પુન:ઉપયોગ માટે એક સંકલિત પદ્ધતિ શરૂ કરી છે. પાલિકા પ્રશાસન લગભગ ૨,૮૫૦ મેટ્રિક ટન જેટલું પીઓપી ફરી મેળવ્યા બાદ તેના પર વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરીને તેના પુન:ઉપયોગ કરવા માટે એક ઍજન્સીની નિમણૂક કરવાની યોજના ધરાવે છે.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) હેઠળ મુંબઈના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને ગણેશ મૂર્તિના વિસર્જનના ૨૪ કલાકની અંદર કૃત્રિમ તળાવો, કામચલાઉ ટાંકીઓ અને જળાશયોમાંથી વિસર્જિત કરાયેલી મૂર્તિઓ મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વોર્ડ કામગીરી માટે નોડલ કર્મચારીઓ, માનવશક્તિ, ક્રેન અને ઢંકાયેલા વાહનો તહેનાત કરવામાં આવશે અને પુન: મેળવેલી મૂર્તિઓને નિયુક્ત મુલુંડ સ્ટોરેજ સુવિધામાં લઈ જઈને ત્યાં તેમનો સંગ્રહ કરવામાં આવશે.
यंदाच्या श्रीगणेशोत्सवाला पर्यावरणस्नेही मखर, आरास, देखाव्यांची जोड देऊया!🙏🌿
— माझी Mumbai, आपली BMC (@mybmc) September 12, 2026
चला पर्यावरणस्नेही मुंबईचा, पर्यावरणपूरक श्रीगणेशोत्सव साजरा करूया 🌺♻️#ganpatifestival #ganeshotsav #ganeshfestival#Ganeshotsav2026 #MyBMCUpdates #गणेशोत्सव #राज्यउत्सव pic.twitter.com/WYX8bIn3Wr
પાલિકાએ આ મૂર્તિઓને વિસર્જન સ્થળોથી પુન: મેળવ્યા બાદ તેના પર પ્રક્રિયા કરીને તેના પુન:ઉપયોગ માટે અનુભવી ઍજન્સીઓ અને ટેકનોલોજી પ્રદાન કરનારા પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટેરસ્ટ (ઈઓઈ) આમંત્રિત કર્યા છે. ઍજન્સીઓ કેલ્સિનેશન, રાસાયણિક વિઘટન અથવા અન્ય વૈજ્ઞાનિક રીતે માન્ય અને પર્યાવરણને અનુરૂપ પદ્ધતિઓ જેવી ટૅક્નિકનો પ્રસ્તાવ મૂકી શકે છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પ્રક્રિયા કરેલી સામગ્રીનો ઉપયોગ મૂર્તિ બનાવવા, પ્લાસ્ટર બોર્ડ, સિરામિક્સ, મેડિકલ પ્લાસ્ટર, ઇંટો અને સિમેન્ટ ઉદ્યોગ માટે ફિલર મટિરિયલ તરીકે ફરીથી કરી શકાય છે.
જવાબદારી સુનિશ્ર્ચિત કરવા માટે તમામ વોર્ડને તેમના સ્તરે રેકોર્ડ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેમાં વજનની એન્ટ્રીઓ અને ફોટોગ્રાફિક અને વિડીયોગ્રાફિક દસ્તાવેજો જાળવવાની સૂચના પણ આપવામાં આવી છે. ઝોનલ ડેપ્યુટી કમિશનરોની દેખરેખ હેઠળ આસિસ્ટન્ટ કમિશનરો દ્વારા દરરોજ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે પાત્ર ઍજન્સીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઈઓઈ સબમિટ કરવાની અંતિમ તારીખ ૨૯ સપ્ટેમ્બર, સાંજે ચાર વાગ્યા સુધી છે. આ પહેલનો હેતુ જળ સંસ્થાઓનું રક્ષણ કરવાનો છે જ્યારે વિસર્જિત કરાયેલી મૂર્તિઓમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ પુન: મેળવવા અને તેનો ફરીથી ઉપયોગ કરવાની પર્યાવરણીય રીતે જવાબદાર સિસ્ટમ સ્થાપિત કરવાનો છે.