(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગભગ એક મહિનાની શોધખોળ બાદ મુંબઈ મહાનગરપાલિકાને ત્રણ તબક્કામાં મીઠી નદીની સફાઈ કરવા માટે બે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી છે. ચોમાસા પહેલાના સફાઈનું કામ એપ્રિલના પહેલા અઠવાડિયામાં શરૂ થયું હતું. જોકે તેનો ૨૯.૬૬ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આજે સ્થાયીમાં મંજૂરી માટે આવવાનો છે. અત્યાર સુધી મીઠી નદીનો નક્કી કરેલો ૧.૩૨ લાખ મેટ્રિક ટન કાંપના લક્ષ્યાંક સામે ૧૮ ટકા એટલે કે ૨૩.૨૫૭ મેટ્રિક ટન કાપ દૂર કરવામાં આવ્યો છે.
મીઠી નદીના કાંપ કાઢવાના પ્રોજેક્ટ હેઠળ ત્રણ તબક્કામાં કામ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ફિલ્ટરપાડા (પવઈ)થી ટીચર્સ કોલોની (કુર્લા), ટીચર્સ કોલોનીથી બીકેસી ક્નેક્ટર બ્રિજ અને બીકેસી ક્નેક્ટર બ્રિજથી માહિમ નાળાના આઉટફોલ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. શરૂઆતમાં મીઠીમાંથી ગાળ કાઢવા માટે યોગ્ય બોલી લગાવનારાઓને આકર્ષવામાં નિષ્ફ્ળ ગયા બાદ પાલિકાએ ટેન્ડરમાં રહેલી અનેક શરતોને હળવી કરી હતી, જેને પગલે બે કૉન્ટ્રેક્ટર પ્રોજેક્ટમાં કામ કરવા આગળ આવ્યા હતા.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કૉન્ટ્રેક્ટરે યોગ્ય રીતે ગાળ નિર્ધારીત સમયમાં દૂર કરવાનો રહેશે અને તેની ચકાસણી બાદ જ તેમને પૈસા ચૂકવવામાં આવશે. પાલિકા કામની ગુણવત્તા અને સુસંગતતા પર નજીકથી નજર રાખશે. તેમ જ ખાતરી કરશે કે ડિજિટલ સિસ્ટમ પર ડેટા નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે કે નહીં. જો કોઈ ખામી જોવા મળી તો સંબંધિત કૉન્ટ્રેક્ટર સામે કડક પગલા લેવામાં આવશે.
લગભગ ૨૨ કિલોમીટર લાંબી મીઠી નદી મુંબઈની સૌથી મોટી અને સૌથી મહત્ત્વની વરસાદી પાણીનો નિકાલ કરનારી નદી ગણાય છે. જે શહેરમાં પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થવાથી બચાવે છે. શહેરની ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે એપ્રિલમાં મીઠીને સાફ કરવાનું શરૂ કરવામાં આવ્યુંં છે. મુંબઈમાં ૨૦૦૫ની સાલમાં આવેલા વિનાશકારી પૂર બાદ નદીની નિયમિત જાળવણી પાલિકા દ્વારા કરવામાં આવે છે, જેમાં મીઠીને સાફ કરીને તેમાથી ગાળ કાઢવામાં આવે છે, જેથી ચોમાસામાં પાણીનું વહન કરવાની ક્ષમતામાં અવરોધ નિર્માણ થાય નહીં અને ચોમાસામાં પૂરનું જોખમ પણ નિર્માણ થાય નહીં.