Mon Oct 05 2026

Logo

મુંબઈ એરપોર્ટ પર મોટો 'ખતરો'! ATC કંટ્રોલર્સની મોટી ચેતવણી, સુરક્ષા દાવ પર?

2026-09-30 20:52:06
Author: Mumbai Samachar Team
મુંબઈ એરપોર્ટ પર મોટો 'ખતરો'! ATC કંટ્રોલર્સની મોટી ચેતવણી, સુરક્ષા દાવ પર?

મુંબઈ: મુંબઈના એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રમાં નવી એર ટ્રાફિક ઓટોમેશન સિસ્ટમ હેઠળ નવી લગાવવામાં આવેલી 42 ઇંચની વ્યાવસાયિક સ્ક્રીનોને લઈને એર ટ્રાફિક કંટ્રોલર્સએ ચિંતા વ્યક્ત કરી છે. હવાઈ ટ્રાફિક નિયંત્રકોના સંગઠનનો દાવો છે કે લાંબા સમય સુધી નજીકથી આ સ્ક્રીન જોવાથી શારીરિક અસ્વસ્થતા થઈ રહી છે અને તેની અસર હવાઈ સુરક્ષા પર પડી શકે છે. 

હવાઈ ટ્રાફિક નિયંત્રકોના સંગઠને ભારતીય વિમાનમથક પ્રાધિકરણના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને આ વ્યાવસાયિક સ્ક્રીનોને બદલે હવાઈ ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ બનાવવામાં આવેલા ઉચ્ચ ચોકસાઈવાળા રડાર ડિસ્પ્લે લગાવવાની માગ કરી છે. 

મુંબઈમાં નવી ઈન્દ્ર એર ટ્રાફિક ઓટોમેશન સિસ્ટમનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આ સોફ્ટવેર સિસ્ટમ હાલમાં તેના અંતિમ કાર્યરત તબક્કા પૂર્વે મહત્વપૂર્ણ  શેડો ઓપરેશન્સ અને પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈ રહી છે, જેમાં નિયંત્રકો વાસ્તવિક ટ્રાફિકના સંચાલનની સાથે સાથે જ આ સિસ્ટમનું પરીક્ષણ કરે છે.

અહેવાલો મુજબ મુંબઈના વિસ્તાર નિયંત્રણ કેન્દ્ર, સમુદ્રી નિયંત્રણ કેન્દ્ર અને આગમન નિયંત્રણ વિભાગની આશરે 70 કાર્યસ્થળો પર 42 ઇંચની સેમસંગ વ્યાવસાયિક ડિસ્પ્લે સ્ક્રીનો લગાવવામાં આવી છે. 

સંગઠનનું કહેવું છે કે દિલ્હી અને કોલકાતા જેવા મોટા કેન્દ્રો તેમ જ મુંબઈના જાળવણી વિભાગમાં ખાસ એર ટ્રાફિક નિયંત્રણ મોનિટર લગાવવામાં આવ્યા છે, જ્યારે મુંબઈના સક્રિય રડાર નિયંત્રણ સ્થળોએ વ્યાવસાયિક ટીવી સ્ક્રીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  

કંટ્રોલર્સના જણાવ્યા મુજબ ખાસ હવાઈ ટ્રાફિક મોનિટર નજીકથી ચોકસાઈપૂર્વક રડાર માહિતી જોવા માટે બનાવવામાં આવે છે, જ્યારે વ્યાવસાયિક ટીવી સ્ક્રીનો દૂરથી જોવાના હેતુ માટે હોય છે. નિયંત્રકોએ એવો પણ દાવો કર્યો છે કે સ્ક્રીનની પ્રતિક્રિયામાં વિલંબ અને લખાણની સ્પષ્ટતાની સમસ્યાને કારણે સતત દેખરેખ દરમિયાન આંખોમાં થાક, આંખોમાં તાણ, આંખોમાં શુષ્કતા અને માથાનો દુખાવો થઈ રહ્યો છે. મોટી સ્ક્રીન પર સતત નજર રાખવા અને વારંવાર માથું હલાવવાને કારણે ગરદનમાં તાણની પણ ફરિયાદ કરવામાં આવી છે.  

મુંબઈનું હવાઈ ક્ષેત્ર અત્યંત વ્યસ્ત છે અને તેમાં લેન્ડિંગ, ટેક ઓફ, વિમાનમથક તથા સમુદ્રી ક્ષેત્રનું હવાઈ ટ્રાફિક સંચાલન સામેલ છે. સંગઠનના જણાવ્યા મુજબ સ્ક્રીનની પ્રતિક્રિયામાં વિલંબ અથવા વિમાન સંબંધિત માહિતી અને ચેતવણીઓ સ્પષ્ટ નહીં દેખાવવાથી નિયંત્રકો પર માનસિક દબાણ વધી શકે છે. 

ખાસ કરીને વધુ ટ્રાફિક અથવા ખરાબ હવામાન દરમિયાન વિમાનની માહિતી અથવા વિમાનો વચ્ચેનું અંતર દર્શાવતી વિગતો વાંચવામાં વિલંબ થવાથી માનવીય ભૂલોનું જોખમ વધી શકે છે, જેના કારણે હવાઈ અકસ્માતોનું જોખમ પાન વધી શકવા શક્યતા કંટ્રોલર્સએ વ્યક્ત કરી હતી. 

હવાઈ ટ્રાફિક કંટ્રોલર્સના સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેની રજૂઆત આધુનિક ટેક્નોલોજીના વિરોધમાં નથી, પરંતુ અંતિમ અમલીકરણ પહેલાં પરીક્ષણ દરમિયાન સામે આવેલી સમસ્યાઓ અંગેનો પ્રતિસાદ છે. 
સંગઠને ભારતીય વિમાનમથક પ્રાધિકરણ પાસે સ્થળ પર કામગીરીનું મૂલ્યાંકન કરવા અને હાલની 42 ઇંચની વ્યાવસાયિક સ્ક્રીનોને ખાસ હવાઈ ટ્રાફિક દેખરેખ માટેની આરામદાયક, ઓછી બ્રાઇટ અને ઓછી વાદળી પ્રકાશવાળા મોનિટરથી બદલવાની માગ કરી છે.