Mon Oct 05 2026

Logo

બુલેટ ટ્રેનમાં ટ્રેક બદલતી વખતે કેમ નહીં અનુભવાય આંચકો? મુસાફરોની સેફ્ટી માટે રેલવેએ તૈયાર કરી અદ્યતન કેન્ટેડ ટર્નઆઉટ સિસ્ટમ

2026-09-24 16:11:16
Author: Darshana Visaria
બુલેટ ટ્રેનમાં ટ્રેક બદલતી વખતે કેમ નહીં અનુભવાય આંચકો? મુસાફરોની સેફ્ટી માટે રેલવેએ તૈયાર કરી અદ્યતન કેન્ટેડ ટર્નઆઉટ સિસ્ટમ

ભારતમાં બુલેટ ટ્રેનની પ્રતીક્ષા હવે ધીમે-ધીમે અંત તરફ આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માત્ર તેની 320 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિ માટે જ નહીં, પરંતુ મુસાફરોની સલામતી અને અત્યંત આરામદાયક મુસાફરી માટે પણ ચર્ચામાં છે. આટલી તેજ ગતિએ દોડતી વખતે પણ ટ્રેન જ્યારે એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર વળશે, ત્યારે મુસાફરોને સહેજ પણ ઝટકો કે ધ્રુજારી અનુભવાશે નહીં. આ માટે રેલવે નેટવર્ક પર જાપાની ટેકનોલોજી આધારિત અદ્યતન 'મુવેબલ ક્રોસિંગ' અને 'કેન્ટેડ ટર્નઆઉટ' સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જે પૈડાંને સતત અને સપાટ સપાટી પૂરી પાડશે.

ટ્રેક બદલતી વખતે કેમ નથી લાગતો આંચકો?

સામાન્ય રેલવે ટ્રેકમાં જ્યાં બે લાઈનો એકબીજાને ક્રોસ કરતી હોય ત્યાં વ્હીલ્સની મૂવમેન્ટ માટે એક નાનકડો ગેપ રાખવો પડે છે. સામાન્ય ટ્રેનો જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે મુસાફરોને આંચકો અને અવાજ સંભળાય છે. જો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન આવા ગેપ પરથી પસાર થાય, તો મોટો ઝટકો લાગી શકે છે અને અકસ્માતનું જોખમ પણ વધી શકે છે. આ પડકારને પહોંચી વળવા માટે જ આ ગેપ-ફ્રી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

'મુવેબલ ક્રોસિંગ' કેવી રીતે કામ કરશે?:

મુવેબલ ક્રોસિંગને 'સ્વિંગ-નોઝ ક્રોસિંગ' પણ કહેવામાં આવે છે. હાઈ-સ્પીડ રેલમાં ટ્રેક વચ્ચેના ગેપને ખતમ કરવા માટે પોઇન્ટ મશીનની મદદથી રેલના આગળના ભાગને (નોઝ) જરૂરિયાત મુજબ આપોઆપ યોગ્ય સ્થિતિમાં સેટ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ક્રોસિંગ પર એક સળંગ અને સપાટ સપાટી તૈયાર થાય છે. ટ્રેનના પૈડાં કોઈ પણ ખુલ્લા ગેપ સાથે અથડાયા વગર સીધા આગળ વધે છે, જેથી હાઈ-સ્પીડમાં પણ ઝટકો, કંપન અને પાટા પરનું દબાણ ઘટી જાય છે.

'કેન્ટેડ ટર્નઆઉટ'થી સાઇડનો ઝટકો નિયંત્રિત થશે:

ટર્નઆઉટ એવી મિકેનિઝમ છે જેના દ્વારા ટ્રેન એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર જાય છે. તેમાં ટ્રેકને ખાસ પ્રકારનો ઢાળ આપવામાં આવે છે, જેમાં બહારના પાટાને અંદરના પાટા કરતાં થોડો ઊંચો રાખવામાં આવે છે. ટ્રેક બદલતી વખતે ઉત્પન્ન થતા સેન્ટ્રિફ્યુગલ ફોર્સને આ ઢાળ સંતુલિત કરે છે. પરિણામે મુસાફરોને અચાનક બાજુ તરફ ખેંચાણ કે જોરદાર કંપન અનુભવાતું નથી અને પ્રવાસ અત્યંત સ્થિર રહે છે.

ડિજિટલ મોનિટરિંગ અને સિગ્નલિંગ સેફ્ટી:

સમગ્ર હાઈ-સ્પીડ ટ્રેક સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે મોર્ડન પોઇન્ટ મશીન, ઇન્ટરલોકિંગ અને ઓટોમેટિક રેલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમનો ઉપયોગ થશે. ટ્રેન પસાર થાય તે પહેલાં ટ્રેક અને ક્રોસિંગ સંપૂર્ણપણે યોગ્ય અને સુરક્ષિત સ્થિતિમાં લોક છે કે નહીં તેની સતત ડિજિટલ ચકાસણી કરવામાં આવશે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ રૂટ પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે કુલ 508 કિલોમીટરનું અંતર આવરી લેશે અને ટ્રેનની ડિઝાઇન સ્પીડ 320 કિમી પ્રતિ કલાક નક્કી કરાઈ છે. સમગ્ર રૂટ પર 12 સ્ટેશનો પ્રસ્તાવિત છે. મુંબઈ નજીક આશરે 21 કિલોમીટરનો હિસ્સો અંડરગ્રાઉન્ડ રહેશે, જેમાં થાણે ક્રીક નીચે ભારતની સૌપ્રથમ અંડરસી રેલ ટનલ સામેલ છે.