Thu Oct 08 2026

Logo

સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યા, નિયમોને અવગણીને રાત્રે ગયેલા

2026-09-25 13:14:11
Author: Mayur Patel
સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યા, નિયમોને અવગણીને રાત્રે ગયેલા

AI Image


મોરબીઃ રાજ્યમાં આજે ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું. આ દરમિયાન ગઈકાલે સૌરાષ્ટ્રના એક શહેરમાં  નિયમોને અવગણીને રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા 4 ડૂબ્યા હતા. 

મળતી વિગત પ્રમાણે, મોરબી નજીક પીપળી ગામથી સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવકોનું ગ્રુપ પહોંચ્યું હતું. આ દરમિયાન 4 લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે એકની ડેડ બોડી મળી હતી અને એકની શોધખોળ ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, અકસ્માત રોકવા માટે અન્ય કુદરતી જળાશયો કે નદીઓમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તંત્રના સ્પષ્ટ પ્રતિબંધ છતાં કેટલાક લોકો સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે પહોંચી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં પીપળી ગામથી ગણેશ વિસર્જન કરવા કેટલાક લોકો આવ્યા હતા. જે પૈકી ચાર લોકો ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં આકાશ માલિયા અને આકાશ ગજાનંદ નામના યુવકને ફાયરબ્રિગડે બચાવી લીધા હતા. જ્યારે વિલાસ ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાણીમાં ડૂબેલા સોહન કુલડીયાને શોધવા સર્ચ ઓપરેશન શરૂ છે.

મોરબી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ મોરબી ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે જુના સાદુળકા પાસે આવેલી મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 4 લોકો ફસાયા છે. કોલ મળતા જ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી 2 વ્યક્તિઓને સહીસલામત બચાવી લીધા હતા.

મોરબી ફાયર બ્રિગેડ મુજબ સુરક્ષિત વિસર્જન માટે શહેરમાં ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવાની વ્યવસ્થા કરાઈ હતી. આ મૂર્તિઓનું લીલાપર ઘૂનડા રોડ પર આવેલી પાણી ભરેલી પથ્થરની ખાણોમાં વિસર્જન કરવાનો નિયમ બનાવાયો હતો. અકસ્માત રોકવા માટે અન્ય કુદરતી જળાશયો કે નદીઓમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમ છતાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે આ લોકો પહોંચી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.