મોરારિબાપુ
કાલે મને એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો કે બાપુ! આટલા બધા લોકો કથાનું શ્રવણ કરે છે, આટલા બધા લોકો તમને દંડવત કરે છે, કોઈ ફૂલ આપે, કોઈ ગદગત થાય, કોઈ આમ કહે તેવી વખતે તમે શું અનુભવો છો? મેં કહ્યું કે ‘હું એકલો વડોદરા આવ્યો હોત તો શું આ બધું શક્ય હોત? હુંરામાયણ લઈને આવ્યો છું અને એટલે હું સમજુ છું કે આ બધું મને નથી,મારા ‘રામચરિતમાનસ’ને લીધે છે. હું નિર્ભર છું. હું ઘણીવાર અહીંથી પસાર થાઉં છું. તમને ખબર પડે તો પણ તમે આટલી મોટી સંખ્યામાં નથી હોતા.
આજે કંઈ પણ છે તે રામાયણને લીધે છે. હું કઈ મારી નમ્રતાથી કહું કે અતિશયોક્તિ કરું એવો સાધુ નથી. હા, અસ્મિતાને લીધે હું જે કહીશ એ ગર્જના કરીને કહેવાનો જ, ભલે તમે લાખ ગલત અર્થ કરો. નમ્રતાની વાત હશે ત્યાં એ પ્રમાણે કહીશ. જે સહજ છે તે હું કહું છું. આ જે કંઈ છે તે ‘રામચરિતમાનસ’ છે. હું વિચાર કરતો હતો કે રામાયણની એક પંક્તિની તાકાત તો જુઓ કે રાજ્યનો કોઈ મોટો વડો આવે એના માટે જે વ્યવસ્થા કરવી પડે એટલી આ ‘માનસ’ની એક પંક્તિ માટે કરવી પડે છે! આ સૂત્રની તાકાત જુઓ, તેથી હું નિર્ભાર છું. બડે ભાગ મનુષ્યનું પાવા આ પંક્તિ કેન્દ્રમાં છે.
હું સહજ બોલું છું, સહજ આવું છું અને સહજ ચાલ્યો જાઉં છું! કારણ કે હું જાગૃતિથી માની રહ્યો છું કે આ મારા ‘રામચરિતમાનસ’નો પ્રભાવ છે! શાસ્ત્રની તાકાત તો જુઓ! તમને કોણ પકડી રાખે છે? અને મેં ઘણી વાર કહ્યું છે કે આ ચાર પાંચ લાખની મેદનીને ભીડ કેવી એ બરાબર નથી. આ તમારી એકતા છે. આ સ્વયંભૂ છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા છે. કામ ચલાવ રીતે હમણાં બધાનું સરનામું બદલાઈ ગયું છે. ક્યાં મળશે? તો કહે ચિત્રકૂટ ધામ- કથામાં. બધાનું એક જ સરનામું થઈ ગયું છે. આ કોણ કરે છે? ‘રામચરિત માનસ’ની આ પરિક્રમા કરી રહ્યા છીએ. કોઈ વ્યક્તિની પરિક્રમા નથી.
તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્ક્ધિધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ. એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી છે, જીવનના સંઘર્ષોને લોકની સામે રજૂ કર્યા છે. ભગવાન રાઘવને અને એના પરિવારને માધ્યમ બનાવીને, જે સમસ્યાઓ, જે સંઘર્ષો, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દરેક કાળમાં આવી છે, આવતી રહી છે, આવતી રહેવાની છે.
ઉત્તરકાંડમાં તેના બધા જ જવાબો તુલસીદાસજીએ તૈયાર કરીને આપી દીધા છે. તો એવો એક મહાન ગ્રંથ... જે સમસ્યા પણ બતાવે છે, મારામાં અને તમારામાં પડેલી સમસ્યાઓને ખોલે છે અને તેનું સંપૂર્ણ સમાધાન પણ આપે છે. અદ્દ્ભુત સમાધાન આપે છે. તો એવા મહાન ગ્રંથનું પારાયણ... સત્સંગ આજથી શરૂ થઈ રહ્યું છે.
રામાયણને સંતોએ ત્રણ ભાગમાં વહેંચી છે. પ્રત્યે વ્યક્તિના જીવનમાં ત્રણ ભાગ હોય છે. આ કથા કેવળ વાર્તા નથી, કેવળ ઈતિહાસ નથી, આ કથા મારા અને તમારા જીવનનું દર્શન છે. અયોધ્યાના મહાત્માઓ તો એમ કહે છે કે, બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત જે બરાબર સમજે એ પૂરો સાધુ. આવી એક વ્યાખ્યા છે. રામાયણના તત્ત્વજ્ઞાનને પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. રામકથાનો આરંભ સંશયથી-શંકાથી થાય છે; સવાલ છે, પ્રશ્ન છે.
રામાયણનો મધ્ય સમાધાન છે. અને રામાયણનો અંત જીવની રાઘવની શરણાગતિ છે. સંશયના સમાધાન અને શરણાગતિમાં મને અને તમને દોરી જતો આ ગ્રંથ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સંશયોનું પ્રતિનિધિત્વ કરે છે. મારા અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન એમાં છે. પૂર્ણ સમાધાન છે અને એમ કરતાં કરતાં અંતે જે પામવાનું છે તે ઈશ્વરની શરણાગતિ તરફ આપણને દોરી જાય છે.
મને એવું લાગે છે તેથી કહું છું કે, ‘દોરી જતો’ એટલે આગળ આગળ ચાલે અને આપણે એને પગલે પગલે ચાલીએ એવી દોરવણી રામાયણ નથી આપતી. તે એવું માર્ગદર્શન પણ નથી કરતી કે કોઈ આંગળી ચીંધે ને આપણે ત્યાં જઈએ. કોઈ ઊભા ઊભા નક્શો કરીને બતાવી દે કે આમ જજો ને તેમ જજો; એવું માર્ગદર્શન રામાયણ નથી આપતી, પણ મારી અને તમારી આંગળી પકડીને તે લઈ જાય છે.
કેવળ માર્ગદર્શક નહિ, હમરાહી હૈ-હમસફર હૈ. જેણે રામાયણની ચોપાઈ પકડી છે, તેનું ચિંતન કરતાં કરતાં તે સીધો અંતર્મુખ થઈને જોશે તો લાગશે કે રામાયણ મારો હાથ પકડીને મને લઈ જાય છે. રામકથા વ્યક્તિનો હાથ પકડે છે અને ઈશ્વરની શરણાગતિ સિદ્ધ કરી આપે છે, વિશ્રામ સુધીની યાત્રા સંપન્ન કરાવે છે અને ગોસ્વામીજીને એ વિશ્રામ મળ્યો છે. એનો અર્થ એ કે હું અને તમે પ્રયાસ કરીએ તો વિશ્રામ મળે. કોઈને મળ્યું એનો અર્થ મેળવી શકાય એવું છે. થોડું કઠિન હશે, પણ મેળવી શકાય એવું તો છે જ.
હું જાગૃત છું અને તેથી જ નિર્ભાર રહું છું. સપના તો એને આવે, સપનામાં એ રાચે જે સૂઈ ગયો છે. ભલા બૂરાં સપના એ લોકોને રાજી કે નારાજ કરી શકે, જે સૂતા છે. કહેવાનો મારો અર્થ છે કે આ જનમેદની સ્વયંભૂ છે. હું શિક્ષકની નોકરી કરતો હતો ત્યારે મારી પાસે 35-40 વિદ્યાર્થીઓનો વર્ગ હતો. તેને પણ હું શાંત રાખી નહોતો શકતો! હું કબૂલ કરું છું!
આજે મારી પાસે રામાયણ છે, તો તમે આ ચાર-પાંચ લાખની સંખ્યામાં અહીં બેઠા છો એને મારું રામાયણ શાંત રાખી શકે છે! વ્યક્તિ તો હું એની એ જ છું ! ત્યાં બૂમો મારવી પડતી, થપાટ મારવી પડી હશે ક્યારેક. પછી એ છોકરાઓ આપણા ચાળા પાડે. આજે તમે કેટલી શ્રદ્ધાથી ‘રામચરિતમાનસ’ના સૂત્રોને પી રહ્યા છો ! આ કોનો મહિમા છે? આ રાજપુરી દર્શનનો, તુલસીના શાસ્ત્રનો મહિમા છે. તમે બધા ભેગા થઈને આ દેશને મળેલા સદ્ગ્રંથની પૂજા કરી રહ્યા છો. - સંકલન: જયદેવ માંકડ