મુંબઈઃ 'મિર્ઝાપુર' ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. 'મિર્ઝાપુર' વેબસિરીઝ જ્યારે આવી એ સમયે પણ તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. ખાસ કરીને તેના ડાયલોગ્સ અને એક્શન સીનને કારણે તે ચર્ચામાં હતી. હવે ફિલ્મના એક ગીતને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. 'મિર્ઝાપુર' ફિલ્મના એક ગીત 'શુરવીર'ને લઈને વિવાદ વધી રહ્યો છે. આ ગીતનો વિરોધ કરી રહેલા લોકોનું એવું કહેવું છે કે, ગીતને રાજસ્થાની ગાયક રેપરિયા બાલમના એક ગીતને ફિલ્મમાં ગૅંગસ્ટર, નશેડી તથા કુકર્મ કરનારાઓ સાથે જોડાયેલા સીન પર પ્લે કરવામાં આવે છે, આ બિલકુલ ખોટુ છે. આનાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. ફિલ્મમાં ગીત રિલીઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગયું છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં આ ગીત પ્લે થાય છે. આ ગીતને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક PIL પણ થઈ ચૂકી છે.
વીરતાની સમર્પિત છે ગીત
હાઈકોર્ટમાં કરવામાં આવેલી એક અરજીમાં સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, ફિલ્મના ક્લાઈમેક્સમાં વાગતા આ ગીતને અંતમાંથી દૂર કરી દેવામાં આવે. આના બદલે બીજા કોઈ ટ્રેકનો ઉપયોગ કરવામાં આવે. અરજી કરનારાઓનું એવું કહેવું છે કે, આ ગીત મહારાણા પ્રતાપની વીરતાને સમર્પિત છે, એવામાં આ ગીત જ્યારે પ્લે થાય છે ત્યારે એના સીનમાં ગૅંગસ્ટર, ગુનેગારો તથા નશેડીઓને દેખાડવામાં આવે છે. પ્રશાંત કુમાર સિંહ તરફથી કરવામાં આવેલી એક અરજીને લઈ ફિલ્મ સામે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ ગરમાઈ રહ્યો છે. દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી પણ સ્પષ્ટતા છે કે, આ ગીત મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલી આપવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
અરજીમાં એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છએ કે, ગીતનો ઉપયોગ ખોટી રીતે કરાયો છે. ગીતનો મૂળ ભાવ સાંસ્કૃતિક છે જેનો ખોટો અર્થ ફિલ્મમાં કાઢવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક અને રાષ્ટ્રીય નાયકને સમર્પિત ગીતમાં ગૅંગસ્ટરને દેખાડવા યોગ્ય નથી. ગીતમાં જે રીતે બધુ ખોટું બતાવવામાં આવે છે એનાથી રાજસ્થાનની સંસ્કૃતિ તથા ઐતિહાસિક વિરાસતને નુકસાન પહોંચ્યું છે. ગીતના મૂળ સંદર્ભોને દૂર કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગીતથી લોકોમાં ખોટો મેસેજ જાય
આ ગીતથી લોકોમાં એક ખોટો મેસેજ જાય છે. આ એક વીરતાનું ગીત છે અને મહારાણા પ્રતાપ માટે બનાવાયું છે. આ સાથે અરજીમાં એવી અપીલ પણ કરવામાં આવી છે કે, ગીતને ગાઈડલાઈન્સ વગર તેનો ઉપયોગ કરવામાં ન આવે. ગીતને ગુનાખોરી સાથે ક્નેક્ટ કરાયું છે જે યોગ્ય નથી. આ ગીતને લઈ હાઈકોર્ટમાં અરજી થાય એ પહેલા રાજસ્થાન ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે પણ આ મુદ્દે વાંધો ઊઠાવ્યો હતો. ગીતને ફિલ્મમાંથી કાઢી નાંખવાની તેણે માગ કરી હતી. ફિલ્મને પ્રમાણપત્ર આપતા બોર્ડને પણ નેતાએ પત્ર લખ્યો હતો. અધ્યક્ષને પણ વિનંતી કરી હતી.
આ પત્રને સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે. પોતાના પત્રમાં રાઠોડે જણાવ્યું હતું કે, એક બહાદુર નાયક (શૂરવીર) અને ગેંગસ્ટરના ચારિત્ર્ય તથા મૂલ્યો વચ્ચે આકાશ-પાતાળનો તફાવત હોય છે. શૌર્ય, બલિદાન, આત્મ-સન્માન અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણ જેવા ગુણોને અપરાધ, હિંસા અને ગેંગ સંસ્કૃતિ સાથે જોડવા તે યોગ્ય નથી. CBFC ફિલ્મમાંથી 'શૂરવીર' ગીત દૂર કરે અને એ સુનિશ્ચિત કરે કે ભવિષ્યમાં ઐતિહાસિક મહાપુરુષો સાથે સંકળાયેલા ગીતો, પ્રતીકો કે તત્વોનો ઉપયોગ એવી રીતે ન કરવામાં આવે જેનાથી જનભાવનાને ઠેસ પહોંચે.
મેકર્સનું મૌનવ્રત
ગીતને લઈને વિવાદ કોર્ટ કચેરી સુધી પહોંચ્યો છે. એક બાજુ અરજી કરનારાઓ પોતાની વાત મૂકી રહ્યા છે. ભાજપના નેતાએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને ફિલ્મના મેકર્સ સામે બાયો ચડાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટ આ કેસમાં શું ચૂકાદો આપે છે એના પર સૌની નજર રહેલી છે. અંતિમ નિર્ણય હાઈકોર્ટ કરશે. આવું પહેલીવાર થયું નથી, આ પહેલા પણ બોલિવૂડના કેટલાય ગીતને લઈ વિવાદ થયા છે અને મામલો કોર્ટ કચેરી સુધી પહોંચ્યો છે. આ કેસમાં હવે મેકર્સ માટે મુશ્કેલીઓ વધી શકે એમ છે. વિવાદ ઊઠ્યો ત્યારથી લઈ અત્યાર સુધી આ કેસમાં મેકર્સ તરફથી હજુ સુધી ખાસ કોઈ પ્રકારની પ્રતિક્રિયા જાણવા મળી નથી.