Thu Apr 23 2026

Logo

મીરા-ભાયંદરના ભાજપના નગરસેવક વિરુદ્ધ જાતીય સતામણીનો ગુનો

2026-04-22 18:14:04
Author: Yogesh C Patel
Article Image

વિવાદ ઊઠતાં નગરસેવકે ફરિયાદી મહિલા વિરુદ્ધ ખંડણી માગવાનો ગુનો નોંધાવ્યો

મુંબઈ: મીરા-ભાયંદર મહાનગરપાલિકામાંના સત્તાધારી પક્ષ ભાજપના નગરસેવક લક્ષ્મણ જંગમ વિરુદ્ધ મહિલાએ કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતાં રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. ભારે વિવાદને જોતાં નગરસેવકે પણ એ મહિલા વિરુદ્ધ ખંડણી માગવાનો ગુનો નોંધાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર લગ્નની લાલચે જાતીય શોષણ કરવાની ફરિયાદ 40 વર્ષની મહિલાએ કરી હતી. ફરિયાદને આધારે મીરા રોડ પોલીસે નગરસેવક જંગમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સામે જંગમે ભાયંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેને પગલે પોલીસે ખંડણીનો ગુનો નોંધ્યો હતો.

મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે જાતીય સતામણીની શરૂઆત જુલાઈ, 2022થી થઈ હતી. નગરસેવકે ફરિયાદીને પોતાની ઑફિસમાં બોલાવી હતી. લગ્નનું વચન આપી પહેલી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ઑગસ્ટ, 2022માં મુંબઈના ગોરાઈ બીચ ખાતેની એક લૉજમાં લઈ જઈ ફરિયાદી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલાના ઘરે અને ઑફિસમાં પણ તેની ઇચ્છા વિરુદ્ધ આરોપીએ શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ લગ્નનું વચન પાળ્યું નહોતું અને પછી ઉડાઉ જવાબ આપતો હતો. પરિણામે ફરિયાદીએ મીરા રોડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

મીરા રોડ પોલીસે શરૂઆતમાં ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું, એવો આરોપ મહિલાએ કર્યો હતો. આખરે સોમવારની મોડી રાતે પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈ નગરસેવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સત્તાધારી પક્ષના નગરસેવક વિરુદ્ધ ગંભીર આરોપ થતાં આ મામલો રાજકીય વર્તુળોમાં ખાસ્સો ગરમાયો હતો.

દરમિયાન મીરા રોડ પોલીસમાં ગુનો નોંધાયાના થોડા જ સમયમાં આ પ્રકરણમાં નવો ટ્વિસ્ટ આવ્યો હતો. નગરસેવકે જાતીય સતામણીનો આરોપ કરનારી મહિલા વિરુદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ખંડણી માગવાની ફરિયાદ કરી હતી. ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી નાણાંની માગણી કરી હોવાનો આક્ષેપ નગરસેવકે કર્યો હતો. બન્ને ગુનામાં પોલીસ તપાસ કરી રહી છે.